Gujarat

બાવળા પોલીસે 8.98 લાખનો દારૂ-બિયર પકડ્યો

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓ સામે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત બાવળા પોલીસે મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. બાવળાના ડરણ રોડ પર સોગાળી માતાના મંદિર પાસેના ખેતરમાંથી પોલીસે 8.98 લાખ રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે.

આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાંટના માર્ગદર્શન હેઠળ, તેમજ ધોળકા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પ્રકાશ પ્રજાપતીની દેખરેખ હેઠળ બાવળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એલ. ચૌહાણના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.

બાવળા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ખેતરની એક ઓરડી અને ઝાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડવામાં આવ્યો છે અને તેનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી.

દરોડા દરમિયાન, પોલીસે વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની શીલબંધ બોટલો અને બિયર ટીન મળી કુલ 2,360 નંગનો જથ્થો જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રોયલ સ્ટેગ વિસ્કી, કિંગફિશર બિયર, મેજિક મોમેન્ટ્સ વોડકા, રોયલ ચેલેન્જ વિસ્કી અને ઓલ સીઝન્સ ગોલ્ડ કલેક્શન વિસ્કી જેવી બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. આ જથ્થાની કુલ કિંમત 8,98,069 રૂપિયા આંકવામાં આવી છે.