Gujarat

ગોધરામાં રાત્રે ભૂગર્ભ ગટરમાં ટ્રક ફસાઈ

ગોધરા શહેરના કલાભાઈ પેટ્રોલ પંપ નજીક રોયલ હોટેલ સામે રાત્રિના સમયે એક ટ્રક ભૂગર્ભ ગટરના ભાગમાં ફસાઈ ગઈ હતી. આ ઘટનાને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માહિતી અનુસાર, ટ્રક પસાર થઈ રહી હતી ત્યારે રસ્તાની બાજુમાં આવેલ ભૂગર્ભ ગટરનો ભાગ અચાનક ધસી પડ્યો હતો. જેના પરિણામે ટ્રકનું એક પૈડું તેમાં ફસાઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ટ્રકને બહાર કાઢવા માટે ક્રેન સહિતના સાધનોની મદદ લેવામાં આવી હતી. કલાકોની ભારે જહેમત બાદ ટ્રકને સલામત રીતે ગટરમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ ઘટના બાદ સ્થાનિકોએ રસ્તા અને ભૂગર્ભ ગટર વ્યવસ્થાના સમારકામ અંગે તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.