વીમા કંપનીઓ મેડિક્લેમ પોલિસીમાં માનસિક બીમારીની સારવાર માટે બાકાત રાખવાની શરત રાખે છે અને તેઓ માનસિક સ્વાસ્થ્ય સંભાળ માટેના મેડિક્લેમને સીધા જ નકારી કાઢે છે. અહીંના એક ગ્રાહક કમિશને આવી બાકાત રાખવાની શરતને મનસ્વી અને ગેરકાનૂની ગણાવી છે અને વીમા કંપનીને માનસિક સ્વાસ્થ્યની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાના ક્લેમની ચુકવણી કરવાનો આદેશ આપ્યો છે.
સાયકોસિસની સારવાર માટે ચાર દિવસ હોસ્પિટલમાં દાખલ થયા હતા આ કેસ અમદાવાદના વસ્ત્રાપુરના એક રહેવાસી સાથે સંકળાયેલો છે, જેમની પાસે નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ તરફથી 3 લાખનું હેલ્થ કવર હતું. ઓક્ટોબર, 2022માં તેમણે એક ખાનગી હોસ્પિટલમાં સાયકોસિસની સારવાર માટે ચાર દિવસ હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું.
કંપનીએ કલેમ નકારી કાઢ્યો તેમણે સારવાર માટે 44 હજાર જેટલી રકમ ચૂકવી હતી અને પછીથી વીમા કંપની પાસેથી રિઇમ્બર્સમેન્ટની માગ કરી હતી, પરંતુ પોલિસી હેઠળ માનસિક બીમારી માટે બાકાત રાખવાની શરતનો હવાલો આપીને કંપની દ્વારા તેમનો ક્લેમ નકારી કાઢવામાં આવ્યો હતો.
વીમા કંપની સામે દાવો માંડ્યો દર્દીએ અયોગ્ય વેપાર પ્રથા અને સેવામાં ખામીનો આક્ષેપ કરીને જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, અમદાવાદ સમક્ષ વીમા કંપની સામે દાવો માંડ્યો હતો. કંપનીએ આ આક્ષેપને નકારી કાઢ્યો હતો. તેણે જણાવ્યું હતું કે પોલિસીની શરત મુજબ માનસિક સારવાર માટેનો મેડિક્લેમ ચૂકવવાપાત્ર નથી.

