અમદાવાદ શહેરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓમાં ડમી વિદ્યાર્થીઓને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાત બોર્ડ દ્વારા અચાનક તપાસ કરવામાં આવતા ત્રણ શાળાઓમાં ડમી કલ્ચરનો પર્દાફાશ થયો છે. ચેકિંગ દરમિયાન વિદ્યાર્થીઓની હાજરી 30 ટકાથી પણ ઓછી મળતાં ગુજરાત બોર્ડે શાળાઓને શો-કોઝ નોટિસ ફટકારી છે.
મહત્વનું છે કે, અમદાવાદ શાળા સંચાલક મંડળના અધ્યક્ષ એ. કે. ભરવાડની શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી જોવા મળી હતી, જેથી હવે બોર્ડે શાળાની માન્યતા કેમ રદ ન કરવી તેને લઈને ખુલાસો માંગ્યો છે. જો યોગ્ય જવાબ રજૂ નહીં કરે તો કડક કાર્યવાહી પણ થઈ શકે છે.
તપાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી મળી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે રાજ્યમાં વધતા ‘ડમી કલ્ચર’ સામે કડક વલણ અપનાવ્યું છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યની અનેક શાળાઓ ડમી વિદ્યાર્થીઓથી ચાલતી હોવાની ફરિયાદો ગુજરાત બોર્ડને મળી હતી, જેના કારણે ગુજરાત બોર્ડ દ્વારા ફરિયાદના આધારે શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.
અમદાવાદની કેટલીક શાળાઓમાં ગુજરાત બોર્ડની ટીમે અચાનક તપાસ હાથ ધરી હતી. ગુજરાત બોર્ડના સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ત્રણ જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી 30 ટકાથી કરતા પણ ઓછી હોવાનું સામે આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત બોર્ડે ત્રણેયે શાળાઓને શો-કોઝ નોટિસ ફટકારી છે.
શાળા સંચાલક મંડળના અધ્યક્ષની સ્કૂલમાં જ સંખ્યા ઓછી સૌથી વધુ ચર્ચાનો વિષય એ છે કે, અમદાવાદ શાળા સંચાલક મંડળના અધ્યક્ષ એ. કે. ભરવાડની નરોડા સ્થિત ગાયત્રી વિદ્યાલયમાં પણ વિદ્યાર્થીઓની હાજરી ખૂબ ઓછી નોંધાઈ હતી. આ ઉપરાંત સાયન્સ સિટી વિસ્તારની એસ.એસ. ડિવાઇન સ્કૂલ અને નરોડાની ડિવાઇન સ્કૂલમાં પણ 30 ટકાથી પણ ઓછી હાજરી વિદ્યાર્થીઓની જોવા મળી આવી હતી.
નિયમ મુજબ વિદ્યાર્થીઓએ શાળામાં નિયમિત હાજરી આપવી જરૂરી છે, પરંતુ અનેક વિદ્યાર્થીઓ માત્ર બોર્ડની પરીક્ષા આપવા માટે જ શાળામાં નોંધાયેલા રહેતા હોવાની લાંબા સમયથી ફરિયાદો હતી. આવા વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરે છે અને શાળામાં ભાગ્યે જ હાજર રહે છે, જેને ‘ડમી કલ્ચર’ તરીકે ઓળખવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓની ઓછી હાજરી જોવા મળતા શાળાની માન્યતા કેમ રદ ન કરવી તે અંગે ત્રણેય શાળાઓ પાસે જવાબ માંગવામાં આવ્યો છે.

