Gujarat

બે યુવતીએ યુવકના ફ્લેટે પહોંચી હોબાળો કર્યો; બહેન-માતા વચ્ચે પડતા ઝપાઝપી કરી

ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમસંબંધ અને લગ્નની બાબતને લઈને ભારે હોબાળો સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. એક યુવક સાથે લગ્ન કરવાની જીદ લઈને બે યુવતીઓ મધ્યરાત્રિએ તેના ફ્લેટના પાર્કિંગમાં પહોંચી ગઈ હતી. યુવકના પરિવારજનોએ સમજાવવાનો પ્રયાસ કરતાં બંને યુવતીઓ ઉશ્કેરાઈ ગઈ હતી અને ગાળાગાળી કરીને યુવકની માતા તથા બહેન સાથે ઝપાઝપી કરી હતી. આ મારામારીમાં યુવકની બહેનને ઈજા પહોંચતાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે. સમગ્ર મામલે નિલમબાગ પોલીસ મથકમાં બંને યુવતીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સિક્યુરિટી ગાર્ડે આવીને હોબાળાની જાણ કરી મળતી માહિતી મુજબ, ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં પોતાના પિયરે માતાને મળવા આવેલી એક પરિણીત મહિલાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. ગત રાત્રિના સમયે ફરિયાદી મહિલા તેના પિયરમાં માતા સાથે હાજર હતી, ત્યારે ફ્લેટના સિક્યુરિટી ગાર્ડે આવીને જાણ કરી હતી કે પાર્કિંગમાં બે યુવતીઓ આવી છે અને તેમના ભાઈને જાહેરમાં બિભત્સ ગાળો આપી રહી છે. આ સાંભળીને ફરિયાદી મહિલા, તેમની માતા અને ભાઈ તાત્કાલિક નીચે પાર્કિંગમાં દોડી ગયા હતા.

જ્યારે યુવકની માતાએ પાર્કિંગમાં જઈને આ રીતે રાત્રે ગાળો બોલવાનું કારણ પૂછ્યું, ત્યારે બેમાંથી એક યુવતીએ ઉદ્ધત વર્તન કરતાં કહ્યું હતું કે, “હું તમારા દીકરાની ગર્લફ્રેન્ડ છું અને મારે તેની સાથે જ લગ્ન કરવાના છે. મારી મદદ માટે હું મારી બહેનને પણ સાથે લાવી છું.” આ સાંભળીને ફરિયાદીના પરિવારે મામલો થાળે પાડવા માટે યુવતીઓ પાસે તેમના માતા-પિતાના મોબાઈલ નંબર માંગ્યા હતા.