ગાંધીનગર લોકસભા અને રાજ્યના મુખ્યમંત્રીના મુખ્ય વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવતા ચાંદલોડિયા વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ડિમોલિશન કામગીરી સામે સ્થાનિક રહીશોએ ઉગ્ર મોરચો માંડ્યો છે. ચાંદલોડિયાના મહાદેવનગર વિભાગ 1માં રોડ કપાતના નામે ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના મકાનો તોડી પાડવામાં આવતા આજે (11 જૂન) સવારથી જ સ્થાનિક લોકો મહિલાઓ અને નાના બાળકો સાથે કાળઝાળ ગરમીમાં ધરણા પર ઉતરી આવ્યા છે. છેલ્લા 40 વર્ષથી અહીં વસવાટ કરતા લોકોએ જ્યાં સુધી ઘરની સામે ઘર ન મળે ત્યાં સુધી હટવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ચાંદલોડિયા વિસ્તારમાં રેલવે લાઇનને સમાંતર આવેલા મહાદેવનગર વિભાગ 1 અને 2 પાસેથી 12 મીટરનો નવો રોડ ખોલવાનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે, આ રેલવે સમાંતર 12 મીટરના રોડની હાલના તબક્કે કોઈ જ તાત્કાલિક જરૂરિયાત નથી. તેમ છતાં, એસ્ટેટ વિભાગ દ્વારા મનસ્વી રીતે આશરે 50 જેટલા મકાનોને તોડી પાડીને હજારો લોકોને ઘરવિહોણા કરી દેવાયા છે. માત્ર 5 જ દિવસની ટૂંકી નોટિસ આપીને ઘર બહાર કાઢી મૂકવામાં આવતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોમાં કોર્પોરેશન સામે ભારે રોષ ફેલાયો છે.
મહાદેવનગર વિભાગ 1 અને 2 નજીકથી રેલવે લાઈન પસાર થાય છે, જેને સમાંતર રોડ પહોળો કરવા માટે બે દિવસ પહેલાં પણ ભારે પોલીસ કાફલા સાથે એસ્ટેટ વિભાગની ટીમ ડિમોલિશન માટે પહોંચી હતી. તે સમયે પણ પોતાના પાકા આશરા તૂટતા જોઈને સ્થાનિક રહીશો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ તેમજ બોલાચાલીના દૃશ્યો સર્જાયા હતા. તંત્ર દ્વારા માનવતાના ધોરણે ગરીબ પરિવારો માટે રહેવાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે ફ્લેટની ફાળવણી કરવામાં આવી નહોતી.

