Gujarat

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને છપ્પન ભોગ અન્નકૂટ ધરાવાયો

સાળંગપુરધામ સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં પવિત્ર અધિક જેઠ માસ, જેને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે, તે અંતર્ગત કમલા એકાદશી નિમિત્તે વિશેષ ઉત્સવ ઉજવાયો હતો. શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી ગુરુવાર, 11 જૂન, 2026 ના રોજ દાદાને દિવ્ય વાઘા અર્પણ કરાયા હતા અને છપ્પન ભોગ અન્નકૂટ ધરાવાયો હતો.

આ પ્રસંગે શ્રીકષ્ટભંજનદેવને માટીના ઘરની આબેહૂબ પ્રતિકૃતિ (પર્ણકુટી) માં બિરાજમાન કરાયા હતા. દાદાને કેરી સહિતનો છપ્પન ભોગ અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા આરતી કરવામાં આવી હતી, જેનો લાભ હરિભક્તોએ લીધો હતો.

સાંજે 4:00 થી 7:00 કલાક દરમિયાન દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરાયું હતું. કમલા એકાદશીના પવિત્ર દિવસે સાંજે 5:30 કલાકે દાદાનું 1008 નામથી વિશેષ પૂજન-અર્ચન પણ કરવામાં આવ્યું હતું. ભક્તજનોને આ પૂજનના જીવંત દર્શનનો લાભ લેવા જણાવાયું હતું.