Gujarat

સુરતમાં ચેન્નાઈના નાર્કોટિક્સ બ્યુરોનું ગુપ્ત ઓપરેશન

ચેન્નાઈ નોર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કની કડીઓ જોડીને સુરતમાં એક અત્યંત ગુપ્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ચેન્નાઈના ઉચ્ચ અધિકારીઓને બાતમી મળી હતી કે, નેધરલેન્ડથી ડ્રગ્સનું એક મોટું કન્સાઇનમેન્ટ સુરત આવી રહ્યું હતું.

આ બાતમીના આધારે ચેન્નાઈની ટીમ તુરંત એક્શનમાં આવી અને સુરતની સ્થાનિક પોલીસ અને નાનપુરા પોસ્ટ ઓફિસનો સંપર્ક સાંધ્યો હતો. ચેન્નાઈ NCBના એક સચોટ ફોનને કારણે સુરતમાં ધમધમતા ડ્રગ્સ માફિયાઓના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મેળવી છે.

નાનપુરા પોસ્ટ ઓફિસમાં બે દિવસ સુધી હોલ્ડ પર રખાયું પાર્સલ ચેન્નઈ નાર્કોટિક્સ બ્યુરો તરફથી નાનપુરા પોસ્ટ ઓફિસના ઉચ્ચ ઓફિસરને સત્તાવાર રીતે એક શંકાસ્પદ પાર્સલ અંગે એલર્ટ આપવામાં આવ્યું હતું. જેમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, સુરતમાં સક્રિય એક શાતિર ડિલર વિદેશથી પોસ્ટ મારફતે પ્રતિબંધિત ડ્રગ્સનો વેપલો કરી રહ્યો છે અને તેનું જ એક ઘાતક પાર્સલ આ પોસ્ટ ઓફિસમાં ડિલિવરી માટે આવવાનું છે.

ચેન્નઈ NCBના આ ઇનપુટ મળતા જ પોસ્ટ ઓફિસના સ્ટાફે સતર્કતા દાખવીને અડાજણના યશ છાબરા નામના યુવકના સરનામે આવેલું શંકાસ્પદ પાર્સલ અટકાવી દીધું હતું. આ પાર્સલને કોઈપણ પ્રકારની શંકા ગયા વિના સળંગ બે દિવસ સુધી ઓફિસમાં જ હોલ્ડ પર રાખવામાં આવ્યું હતું, જેથી મુખ્ય સૂત્રધારને જાળમાં સરળતાથી ફસાવી શકાય.