વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ભારતના પ્રથમ સોશિયલ બિઝનેસ પ્લેટફોર્મ ‘VIBOS’ (વિશ્વ ઉમિયા ઇન્ટરનેશનલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ સોશિયલ નેટવર્ક)નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે યુવા ઉદ્યોગસાહસિકોને વૈશ્વિક ફલક પર સ્થાન અપાવવાના ઉદ્દેશ્ય સાથે બનેલા આ પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કર્યું હતું. વિશ્વ ઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર. પી. પટેલના માર્ગદર્શન હેઠળ યુવા સશક્તિકરણ અને વેપાર-ઉદ્યોગના વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે VIBOS પ્લેટફોર્મને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત દેશનું પ્રથમ નંબરનું બિઝનેસ પ્લેટફોર્મ છે. મુખ્યમંત્રીએ વિશ્વ ઉમિયા ધામ દ્વારા પાટીદારોની સાથે સાથે સર્વ સમાજને સાથે લઈને ચાલવાની પહેલને પણ બિરદાવી હતી.

VIBOS અંગે વાત કરતા સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું હતું કે VIBOS ગુજરાત અને ભારતના સીમાડા પાર કરી વૈશ્વિક સ્તરે કાર્ય કરશે. તેમણે ઉમેર્યું હતું કે VIBOSમાં NRI ઉદ્યોગપતિઓ પણ જોડાયા છે. આ પ્લેટફોર્મ ભારતનું પ્રથમ આધ્યાત્મિક પ્લેટફોર્મ પર બનેલું બિઝનેસ પ્લેટફોર્મ છે અને તે નવી રોજગારીની તકો ઊભી કરશે.

“When Achievers Meet Achievers, Opportunities Turn Into Empires.” ના સૂત્ર પર કાર્યરત VIBOS એ સફળ અને પ્રતિષ્ઠિત ઉદ્યોગસાહસિકો તેમજ વ્યાપારી અગ્રણીઓ માટે ખાસ તૈયાર કરાયેલું એક પ્રીમિયમ બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે.

તેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રગતિશીલ વ્યવસાયિકોને એકસાથે લાવી પરસ્પર સંબંધો બાંધવા, વ્યાપારિક તકોની આપ-લે કરવી અને વ્યવસાયના વિસ્તરણને વેગ આપવાનો છે. આ પહેલ માત્ર વ્યાપારિક વૃદ્ધિથી આગળ વધીને, સભ્યો કેવી રીતે સમાજનો ઉદ્ધાર કરી શકે અને જરૂરિયાતમંદોને રોજગારીની વધુ સારી તકો પૂરી પાડી શકે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.

