ગુજરાત હાઇકોર્ટે ડિજિટલ અરેસ્ટ કરીને એક પરિવાર પાસેથી ₹2.30 કરોડ પડાવી લેવાના હૃદયદ્રાવક કેસમાં આરોપી સંદીપ પગારેની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને જામીન આપવાનો ઇનકાર કર્યો છે અને કેસની ટ્રાયલ વહેલી તકે પૂર્ણ કરવા માટે નીચલી અદાલતને આદેશ આપ્યા છે. ચાર્જશીટ દાખલ થવા માત્રથી આરોપી જામીન મેળવવા હકદાર બનતો નથી તેમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું.
શું હતો સમગ્ર મામલો? ગાંધીનગર CID સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ચાલુ વર્ષે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આઇટી એક્ટ હેઠળ આ ગુનો નોંધાયો હતો. એક ફરિયાદી, તેમની પત્ની અને પુત્રીને આરોપીઓએ તારીખ 3 નવેમ્બર, 2025થી 13 નવેમ્બર, 2025 સુધી સતત વોટ્સએપ વીડિયો કોલ અને ફોન દ્વારા નજરકેદ રાખીને ‘ડિજિટલ અરેસ્ટ’ કર્યા હતા. આરોપીઓએ પીડિત પરિવારના શેર અને સ્ટોક વેચાવડાવીને ₹2.30 કરોડની માતબર રકમ પડાવી લીધી હતી. આ મામલે પ્રિયા શર્મા નામની યુવતી સહિતના આરોપીઓ સામે ફરિયાદ થઈ હતી.
CBI, ED અને મુંબઈ પોલીસના નામે આપી ધમકી તપાસમાં સામે આવ્યું છે કે, ઠગબાજોએ ફરિયાદી પરિવારને ડરાવવા માટે નકલી દસ્તાવેજોનો સહારો લીધો હતો. તેઓએ પોતાને ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી, મુંબઈ તિલકનગર પોલીસ, ઇડી (ED) અને સીબીઆઈ (CBI) ના ઉચ્ચ અધિકારીઓ તરીકે ઓળખાવ્યા હતા. આરોપીઓએ એવી ખોટી ધમકી આપી હતી કે, જેટ એરવેઝના ભૂતપૂર્વ ચેરમેન નરેશ ગોયલના ઘરે પડેલી EDની રેડમાં ફરિયાદીના નામના વ્યવહારો અને ATM કાર્ડ મળ્યા છે. આ કેસમાં CBI તપાસ કરી રહી છે અને ફરિયાદીઓ વિરુદ્ધ ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે.
આરોપી સંદીપ પગારેની બચાવ દલીલો અરજદાર સંદીપ પગારે વતી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, તે 24 ફેબ્રુઆરી, 2026થી જેલમાં છે અને કેસની તપાસ પૂર્ણ થઈ ગઈ હોવાથી ચાર્જશીટ ફાઇલ થઈ ચૂકી છે. તેના વકીલે દલીલ કરી હતી કે, સંદીપે કોઈ વોટ્સએપ કોલ કર્યો નથી કે ફરિયાદીને ધમકી આપી નથી. જે યસ બેન્કના ખાતામાં સાયબર ફ્રોડના ₹72 લાખ ટ્રાન્સફર થયા હતા, તે ખાતું માત્ર તેના મોબાઈલ નંબર સાથે લિંક હતું. તેણે માત્ર OTP જ સહ-આરોપીને આપ્યો હતો, જેના બદલામાં તેને કમિશન મળતું હતું અને મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે.

