Gujarat

સુરતમાં 7 જુલાઈએ ભારે વરસાદમાં ખાડીમાં તણાયા બાદ એક મહિને મૃતદેહ મળ્યો

સુરત શહેરમાં ગત 7 જુલાઈના રોજ પડેલા ભારે વરસાદ દરમિયાન બનેલી એક દુઃખદ ઘટનામાં લાપતા થયેલા 44 વર્ષીય ઝિયાદ અહેમદનો મૃતદેહ આખરે એક મહિના જેટલા લાંબા સમય બાદ મળી આવ્યો છે. ખાડી વિસ્તારમાંથી તેમનો મૃતદેહ મળી આવતા જ પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, માથા પર હેલ્મેટ અને રેનકોટ પહેરેલી હાલતમાં જ તેમની બોડી મળી આવી છે.

કામ પરથી પરત ફરતી વખતે બન્યો બનાવ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને સુરતના ઉન પાટિયા વિસ્તારમાં રહેતા 44 વર્ષીય ઝિયાદ અહેમદ ઉર્ફે પપ્પુ ભાઈ ઇન્ટિરિયર ડિઝાઇનમાં સુપરવાઈઝર તરીકે કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. 7 જુલાઈના રોજ ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે તેઓ કામ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પાંડેસરા વિસ્તારમાં પાણીનું સ્તર ખૂબ વધી જતાં તેમણે પોતાની એક્ટિવા એક પેટ્રોલ પંપ પાસે મૂકી દીધી હતી અને ત્યાંથી તેઓ પગપાળા જ ઘર તરફ નીકળ્યા હતા.

ખાડી પાર કરતી વખતે બેલેન્સ ગુમાવતા તણાયા હોવાની આશંકા ઘરની નજીક પહોંચતાં જ ત્યાં આવેલી ખાડીમાં પાણીનો પ્રવાહ અત્યંત તેજ હતો. પગપાળા જતી વખતે પાણીના ભારે વહેણમાં બેલેન્સ ગુમાવી દેતાં તેઓ ખાડીના તેજ પ્રવાહમાં તણાઈ ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો, મિત્રો અને સ્થાનિક તંત્ર દ્વારા તેમની સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે સમયે તેમનો કોઈ પત્તો લાગ્યો નહોતો.

CCTV ફૂટેજ અને 1 મહિના બાદ લાકડા કાપવા ગયેલા યુવકે બોડી જોઈ ઘટના બાદ તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં તેઓ હેલ્મેટ અને રેનકોટ પહેરીને ચાલતા જતા નજરે પડ્યા હતા. એક મહિના સુધી પરિવાર અને મિત્રો સતત તેમની શોધખોળ કરી રહ્યા હતા. આ દરમિયાન ૮ ઓગસ્ટના રોજ ખાડી નજીક લાકડા કાપવા ગયેલા એક સ્થાનિક યુવકને ઝાડીઓમાં મૃતદેહ જેવું જણાતાં તેણે સોસાયટીના લોકોને જાણ કરી હતી. સોસાયટી દ્વારા પરિવારજનો અને પોલીસને જાણ કરાતાં ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.