Gujarat

રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું ગાંધીનગરમાં CMના હસ્તે પ્રસ્થાન

ગાંધીનગરમાં જિલ્લા વહીવટીતંત્ર અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત આજે(10 ઓગસ્ટ) રાજ્યકક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10 વાગ્યે G-6 સર્કલ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું અને તેઓ પોતે પણ યાત્રામાં જોડાયા હતા.

G-6થી નમસ્તે સર્કલ સુધીનો રૂટ રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનો રૂટ G-6 સર્કલથી શરૂ થઈ GH-6 સર્કલ, CH-6 સર્કલ થઈ નમસ્તે સર્કલ સુધીનો નિર્ધારિત કરવામાં આવ્યો હતો. યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નાગરિકો અને વિવિધ ક્ષેત્રના લોકો તિરંગા સાથે જોડાયા હતા.

‘ભારતની એકતા અને અખંડિતતાની યાત્રા’ યાત્રાને પ્રસ્થાન કરાવતા પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને મળેલી મહામૂલી આઝાદીનું ગૌરવગાન કરવા અને આઝાદીના લડવૈયાઓના બલિદાનને ચિરંજીવ રાખવા માટે ‘હર ઘર તિરંગા અભિયાન’ની પ્રેરણા આપી છે. તિરંગા યાત્રા ભારતની એકતા અને અખંડિતતાની યાત્રા છે. હાથમાં તિરંગો અને હૃદયમાં ભારતભક્તિ સાથે સૌ આ યાત્રામાં જોડાયા છે.

‘સ્વરાજ્યને ગુડ ગવર્નન્સમાં પલટાવવાનું નેતૃત્વ PMએ કર્યું’ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે તિરંગા સાથે દેશને જે સ્વરાજ્ય મળ્યું તેને સ્વરાજ્યથી ગુડ ગવર્નન્સમાં પલટાવવાનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. અશોક ચક્ર દેશને અવિરત વિકાસની ગતિ માટે પ્રેરણા આપતું રહે છે.

વર્ષ 2047માં આઝાદીની શતાબ્દી ઉજવવાની છે અને તે પહેલાંનો સમય દેશ માટે અમૃતકાળ છે. આજની યુવા પેઢીને આઝાદીના જંગમાં બલિદાન આપનારા દેશભક્તોનું સતત સ્મરણ થાય, તેમના જીવનચરિત્ર વિશે જાણકારી મળે અને રાષ્ટ્રભક્તિ તથા ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના જનજનમાં કેળવાય તે હર ઘર તિરંગા અભિયાનનો મૂળ ભાવ છે.