સાગબારા તાલુકાના રણબુડા (બોરીમાલ) ગામના ગ્રામજનોએ ગુજરાત વીજ કંપની (DGVCL) સમક્ષ લેખિત રજૂઆત કરી છે. ગામમાં જર્જરિત વીજ કેબલો અને થાંભલાઓને કારણે અકસ્માત સર્જાવાના ભય વચ્ચે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે ગામના અનેક વિસ્તારોમાં વીજ કેબલો અત્યંત નબળી અને જર્જરિત સ્થિતિમાં છે. આ ઉપરાંત, કેટલાક વીજ થાંભલાઓ પણ જોખમી હાલતમાં પહોંચી ગયા છે.
ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોવાથી, પવન, વરસાદ અને વાવાઝોડા દરમિયાન આ વીજ કેબલો તૂટી પડવાની અથવા થાંભલાઓ ધરાશાયી થવાની શક્યતા વધી ગઈ છે. આના કારણે જાનમાલના મોટા નુકસાનનો ભય ઉભો થયો છે.
ગામલોકોના મતે, આ સમસ્યા અંગે અનેક વખત મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ, ખેડૂતો અને રોજિંદા અવરજવર કરતા ગ્રામજનો માટે આ સ્થિતિ અત્યંત જોખમરૂપ બની રહી છે.

