Gujarat

કરોડોના ખર્ચે બ્યુટીફિકેશન છતાં સુરસાગર તળાવની દશા બિસ્માર

સંસ્કારી નગરી વડોદરાની મધ્યમાં આવેલું અને શહેરની આગવી ઓળખ સમાન ઐતિહાસિક સુરસાગર તળાવ ફરી એકવાર વિવાદોના ઘેરાવમાં આવ્યું છે. તળાવની જાળવણીમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારીને કારણે મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા હોવાના વીડિયો સામે આવ્યા છે. ચોમાસાની શરૂઆતમાં જ સર્જાયેલી આ સ્થિતિને પગલે પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોમાં પાલિકા તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

ઓક્સિજન પ્લાન્ટ બંધ અને માછલીઓના ટપોટપ મોત સુરસાગર તળાવમાં સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરાયા બાદ તેના બ્યુટીફિકેશન પાછળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો અંધાધૂંધ ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે તળાવમાં પાણી શુદ્ધ રાખવા અને માછલીઓ માટે નાખવામાં આવેલો ઓક્સિજન પ્લાન્ટ હાલ બંધ હાલતમાં છે.

તંત્રની આ જાળવણીના અભાવે પાણીમાં ઓક્સિજનની માત્રા ઘટતા અસંખ્ય માછલીઓ ટપોટપ મરી રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અનેકવાર સુરસાગરમાં માછલીઓના મોતના કિસ્સા સામે આવી ચૂક્યા છે, તેમ છતાં પાલિકાએ કોઈ પાઠ ભણ્યો નથી.

કરોડોનો ખર્ચ પણ ‘વોક-વે’ પાણીમાં ગરકાવ પાલિકા દ્વારા મુલાકાતીઓ માટે બનાવવામાં આવેલો લાખો-કરોડોનો વોક-વે પણ હાલ જર્જરિત અને બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. સીઝનના પહેલા સામાન્ય વરસાદમાં જ વોક-વે પર અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સહેલાણીઓ માટે ત્યાં ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. એટલું જ નહીં, વોક-વેની આસપાસથી કચરો, જંગલી ઘાસ અને કમળ ઉગી નીકળ્યા છે, જે પાલિકાના મેન્ટેનન્સના મોટા-મોટા દાવાઓની પોલ ખોલી રહ્યા છે.