પાટણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થતાંની સાથે જ પેટ્રોલિયમ પેદાશોમાં કરાયેલા તોતિંગ ભાવવધારા સામે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ મુદ્દે ભાજપ સરકારને ઘેરવા માટે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શનિવારે રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો,કોર્પોરેટ રો અને કાર્યકરો એકત્રિત થયા હતા. કાર્યકરોએ હાથમાં પ્લેકાર્ડ્સ સાથે ‘મોંઘવારી ઘટાડો’ અને ‘ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી’ના સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું.
કોંગ્રેસ કાર્યલય ખાતે થી સિદ્ધપુર ચાર રસ્તા પર પહોંચીને અચાનક ચક્કાજામ કરી દીધો હતો. વ્યસ્ત ચાર રસ્તા પર વાહનોના પૈડાં થંભી જતાં કલાકો સુધી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને વાહનચાલકો અટવાયા હતા. પોલીસે મામલો થાળે પાડવા માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમર દેસાઈ, અગ્રણી કાનજી દેસાઈ તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. કોંગ્રેસે ચીમકી આપી છે કે જો ભાવવધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ કરાશે. પોલીસે વિરોધ કરનારા કાર્યકરોની અટકાયત કરી હતી.

