Gujarat

MSUમાં દિવાળી ટાણે ત્રણ મહત્ત્વપૂર્ણ વહીવટી નિમણૂકો

વડોદરા ખાતે આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા દ્વારા દિવાળીના પર્વને અનુલક્ષીને શૈક્ષણિક અને વહીવટી પ્રક્રિયાઓને વધુ સંગીન તેમજ પારદર્શક બનાવવા માટે ત્રણ મહત્ત્વપૂર્ણ વહીવટી નિમણૂકો કરવામાં આવી છે. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ભાલચંદ્ર ભણગેના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણયોથી સંસ્થાકીય કામગીરીને નવો વેગ મળશે.

પી.કે.ઝા IQACના નવા ઇન્ચાર્જ ડિરેક્ટર યુનિવર્સિટીના ઇન્ટરનલ ક્વોલિટી એશ્યોરન્સ સેલ (IQAC)ના ઇન્ચાર્જ ડિરેક્ટર અને પરીક્ષા નિયામક તરીકે અત્યાર સુધી સેવાઓ આપનાર પ્રો. ભાવના મહેતા આગામી 8 નવેમ્બર, 2026ના રોજ વયનિવૃત્ત થઈ રહ્યા છે, જેથી તેમના સ્થાને વિજ્ઞાન વિદ્યાશાખાના ભૌતિકશાસ્ત્ર વિભાગના પ્રો. પી. કે. ઝાની 9 નવેમ્બરથી IQACના નવા ઇન્ચાર્જ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ શૈક્ષણિક ગુણવત્તા જાળવવા અને સંસ્થાકીય મૂલ્યાંકનનું ઉત્તરદાયિત્વ સંભાળશે.

ડૉ. જે. ડી. રાઠોડને ઈન્ચાર્જ પરીક્ષા નિયામક આ ઉપરાંત, પરીક્ષા વિભાગની સુચારુ કામગીરી માટે ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ વિદ્યાશાખાના એસોસિયેટ પ્રોફેસર ડૉ. જે. ડી. રાઠોડને ઇન્ચાર્જ પરીક્ષા નિયામક તરીકે તત્કાલ અસરથી નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ વિવિધ પરીક્ષાઓના આયોજન અને સંચાલનનું સંકલન કરશે. બીજી તરફ, કલા વિદ્યાશાખાના રાજનીતિશાસ્ત્ર વિભાગના પ્રો. દીપ્તિ કે. આચાર્યને દિવ્યાંગજન સંસાધન કેન્દ્રના ડિરેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, જેઓ દિવ્યાંગ વિદ્યાર્થીઓને સમાન તકો પૂરી પાડવા અને સર્વસમાવેશક વાતાવરણ ઊભું કરવા માટે કાર્ય કરશે.

વિદ્યાર્થી કેન્દ્રી અભિગમને વધુ મજબૂતી મળશે દિવાળી પહેલા નવી નિમણૂકો થતા વિદ્યાર્થીઓને પણ આગામી સત્રમાં સરળતા રહેશે તેવી આશા છે. યુનિવર્સિટીના વિવિધ વિભાગનું કામ સુચારું રીતે થાય તે માટે આ નિમણૂક કરી દેવામાં આવી છે. યુનિવર્સિટીના વિશેષ ફરજ પરના અધિકારી પ્રો. હિતેશ ડી. રવિયાએ જણાવ્યું હતું કે આ નિમણૂકોથી યુનિવર્સિટીના શૈક્ષણિક ઉત્કર્ષ અને વિદ્યાર્થીકેન્દ્રી અભિગમને વધુ મજબૂતી મળશે.