હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર GIDC ઓવરબ્રિજમાં શનિવારે વહેલી સવારે ત્રણ ટ્રક અથડાયા હતા. અકસ્માતમાં આઈશરચાલક રણધીર શર્માનું મોત થયું હતું. ફાયર ટીમે બે કલાક બાદ તેમને કેબિનમાંથી બહાર કાઢ્યા હતા.

હાઈવે ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ, અમદાવાદથી હિંમતનગર તરફ જતી આઈશરનું આગળનું ટાયર ફાટ્યું હતું. પાછળ આવતું ટ્રક-કન્ટેનર આઈશર સાથે અથડાયું હતું. ત્યાર બાદ તેની પાછળ આવતી બીજી આઈશર ટ્રક-કન્ટેનર સાથે અથડાઈ હતી.
અથડામણમાં આઈશરની કેબિન દબાઈ ગઈ હતી અને ચાલક તેમાં ફસાયા હતા. ગંભીર ઈજાને કારણે તેમનું મોત થયું હતું. મૃતદેહ કેબિનમાં ફસાયેલો હોવાથી હિંમતનગર નગરપાલિકાની ફાયર ટીમને બોલાવવામાં આવી હતી.

હાઈવે ટ્રાફિક પોલીસ, એ ડિવિઝન પોલીસ, 108 અને ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હિંમતનગર પાલિકાના ફાયર વિભાગના લીડિંગ ફાયર ઓફિસર વિજયસિંહ વાઘેલાએ જણાવ્યું કે સવારે 5.45 વાગ્યે અકસ્માતની જાણ થતાં ટીમ સ્થળે પહોંચી હતી.

