વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે ધરમપુર સેવાસદન ખાતે બેઠક યોજી હતી. તેમાં 30 ઓક્ટોબરના કિસાન ઉત્સવ દિવસ અને 31 ઓક્ટોબરના રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની તૈયારીઓની સમીક્ષા કરાઈ હતી.
ધરમપુર, કપરાડા અને નાનાપોંઢા તાલુકામાં યોજાનારા કાર્યક્રમોની તૈયારી અંગે ચર્ચા થઈ હતી. બેઠકમાં નાનાપોંઢાના ધારાસભ્ય જીતુ ચૌધરી, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, ચૂંટાયેલી પાંખના પદાધિકારીઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.
મંત્રી નરેશ પટેલે કહ્યું કે દેશના વડાપ્રધાન દરેક નાગરિકની ચિંતા કરે છે. રાષ્ટ્રની એકતા જળવાય અને સમાજના તમામ વર્ગોનો વિકાસ થાય તે હેતુથી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેમણે બંને દિવસની ઉજવણીમાં વધુમાં વધુ લોકોને જોડાવા અપીલ કરી હતી.
30 ઓક્ટોબરે કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે જિલ્લા પંચાયતની દરેક બેઠક દીઠ બે કાર્યક્રમો યોજાશે. 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે જિલ્લાના દરેક ગામમાં કાર્યક્રમો યોજાશે.
જિલ્લા કલેક્ટર નિતિન સાંગવાને ધરમપુર, કપરાડા અને નાનાપોંઢા તાલુકાના કાર્યક્રમોની તૈયારીઓ અંગે માહિતી આપી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારી અરુણ ગરાસિયાએ કિસાન ઉત્સવ દિવસના આયોજનની વિગતો રજૂ કરી હતી. બંને દિવસના કાર્યક્રમો યોજવા અને તેમાં વધુમાં વધુ લોકો જોડાય તે અંગે બેઠકમાં ચર્ચા થઈ હતી.

