Gujarat

ગુજરાતની 182 બેઠકો પર ભાજપનું દિવાળી સ્નેહમિલન

ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો પર ભાજપ દ્વારા એકસાથે દિવાળી સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે સાંજે 4 વાગ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.

આ દરમિયાન તેમણે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળ્યાના 25 વર્ષના પ્રવાસને યાદ કર્યો હતો અને રાજ્યના વિકાસમાં ભાજપના કાર્યકર્તાઓના યોગદાનને બિરદાવ્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગુજરાત આગામી 20 વર્ષમાં છેલ્લાં 25 વર્ષ કરતાં અનેક ગણો વધુ વિકાસ કરશે.

PM મોદીએ સંબોધનની શરૂઆત દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવીને કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં દિવાળી પછી નૂતન વર્ષ નિમિત્તે સામૂહિક સ્નેહમિલન અને સંકલ્પ કરવાની પરંપરા રહી છે. આ વર્ષની દિવાળી તેમના માટે વિશેષ છે, કારણ કે ઓક્ટોબર મહિનામાં ગુજરાતની જનતાએ તેમને સેવા કરવાની તક આપી તેના 25 વર્ષ પૂર્ણ થયાં છે. આ સફરમાં ગુજરાતના કાર્યકર્તાઓના ત્યાગ, તપસ્યા, સમર્પણ અને સહકારને કારણે જ રાજ્યની સેવા શક્ય બની હોવાનું તેમણે જણાવ્યું હતું.

ભૂકંપ બાદની પહેલી દિવાળીએ ગામડે-ગામડે જઈ દુઃખમાં સહભાગી થયા હતા વર્ષ 2001માં ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળ્યા પછીની પહેલી દિવાળીની યાદ તાજી કરતાં PM મોદીએ જણાવ્યું હતું કે, તે સમયે કચ્છ, જામનગર અને બનાસકાંઠા સહિતના ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં ભારે વિનાશ થયો હતો. તે વર્ષે કેબિનેટે દિવાળી ન મનાવવાનો નિર્ણય કર્યો હતો. મંત્રીઓ અને તેઓ પોતે ભૂકંપગ્રસ્ત ગામોમાં જઈને સ્વજનો ગુમાવનારા પરિવારોના દુઃખમાં સહભાગી બન્યા હતા.

તેમણે કહ્યું કે, તે દિવસે મને વિશ્વાસ થયો કે તહેવારોની સાચી ખુશી બીજાના જીવનમાં આશાનો દીવો પ્રગટાવવામાં છે. ગુજરાતની આ જ તાકાતે ભીષણ ભૂકંપની પીડાને પાછળ છોડી કચ્છને આશાઓના નવા કેન્દ્ર તરીકે વિકસાવ્યું. કચ્છમાંથી શરૂ થયેલા નવનિર્માણની પ્રેરણા ગુજરાતના તાલુકે-તાલુકે અને ગામડે-ગામડે પહોંચી હતી.