અમદાવાદમાં નિર્દોષ ઘર ખરીદનારાઓ, નાના રોકાણકારો અને મધ્યમવર્ગીય પરિવારો સાથે રિયલ એસ્ટેટના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અમદાવાદ ઝોનલ ઓફિસે લાલ આંખ કરી છે. ED દ્વારા રોનક રવજીભાઈ સોનાની, વિપુલભાઈ ગોરધનભાઈ ગંગાણી, મેસર્સ કેશવ નારાયણ ગ્રૂપ તેમજ અન્યો સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરીને ₹129.80 કરોડની સ્થાવર મિલકતો કામચલાઉ ધોરણે જપ્ત (Attach) કરવામાં આવી છે.
5 પોલીસ મથકોમાં નોંધાયેલી FIRના આધારે તપાસ તેજ અમદાવાદના DCB ક્રાઈમ, સેટેલાઇટ, નવરંગપુરા અને બોપલ પોલીસ મથક ખાતે નોંધાયેલી કુલ 5 FIRના આધારે ED દ્વારા મની લોન્ડરિંગ નિવારણ કાયદા (PMLA) હેઠળ તપાસ હાથ ધરાઈ હતી. આરોપીઓ સામે ‘ભારતીય ન્યાય સંહિતા, 2023’ (BNS) ની વિવિધ કલમો હેઠળ અગાઉ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી ચૂકી છે.
પ્રી-લોન્ચ ઓફર અને ઊંચા વળતરની લાલચ આપી સેંકડો રોકાણકારો સાથે છેતરપિંડી EDની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ સામાન્ય ઘર ખરીદનારાઓ, નાના રોકાણકારો, વેપારીઓ અને મધ્યમ વર્ગના પરિવારો સાથે મોટા પાયે છેતરપિંડી આચરી હતી. આરોપીઓએ પોતાની રિયલ એસ્ટેટ યોજનાઓને અધિકૃત પ્રોજેક્ટ્સ તરીકે રજૂ કરી આકર્ષક ‘પ્રી-લોન્ચ’ ભાવે ફ્લેટ તેમજ દુકાનો ઓફર કરી હતી.
આ સાથે રોકાણકારોને 54% થી 100% સુધીના ઊંચા ફિક્સ્ડ રિટર્નનું વચન પણ આપ્યું હતું. જોકે, આ પ્રોજેક્ટ્સનું માર્કેટિંગ N.A. (બિન-ખેતી) પરવાનગી અને RERA રજિસ્ટ્રેશન જેવી ફરજિયાત કાયદાકીય મંજૂરીઓ વિના જ કરવામાં આવ્યું હતું. પરિણામે, ‘છારોડી’ સ્કીમમાં અંદાજે 250 અને ‘અક્ષર અનંત’ સ્કીમમાં 44થી વધુ ખરીદદારો-રોકાણકારો પાસેથી નાણાં પડાવી લીધા બાદ ન તો ફ્લેટ કે દુકાનોનો કબજો અપાયો કે ન તો નાણાં પરત કરવામાં આવ્યા.

