Gujarat

બોટાદના હીરા બજારમાંથી 43.11 લાખના 1437 કેરેટ હીરાની ચોરી

16 ઓગસ્ટે બોટાદના હીરા બજારમાંથી બપોરના સમયે એક દુકાનમાંથી થયેલી હીરાની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. બોટાદ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચોરી કરનાર પિતા, પુત્રી અને જમાઈની બાવળા રેલવે સ્ટેશન પાસેથી અટકાયત કરી છે. તેમની પાસેથી ચોરી થયેલા હીરા ઉપરાંત કુલ 1885.75 કેરેટના કાચા હીરા કબ્જે કરવામાં આવ્યા છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. 3થી 4 કરોડ આંકવામાં આવી રહી છે.

દુકાનમાંથી 43.11 લાખના 1437 કેરેટ હીરાની ચોરી ઘટનાની વિગત મુજબ, બોટાદમાં હીરાની દુકાન ધરાવતા અશોકભાઈ અને રસિકભાઈ બપોરે જમવા ગયા ત્યારે આરોપીઓએ પાછળના દરવાજાથી અંદર ઘૂસીને રૂ. 43.11 લાખની કિંમતના 1437 કેરેટ હીરાની ચોરી કરી હતી.

ચોરી કર્યા બાદ આરોપીઓ રિક્ષામાં બેસી બોટાદ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને ટ્રેન મારફતે અમદાવાદ તરફ ભાગી રહ્યા હતા. આ અંગે બોટાદ SP ધર્મેન્દ્ર શર્મા અને અમદાવાદ રૂરલ SP ઓમપ્રકાશ જાટની આગેવાની હેઠળ સીસીટીવી ફૂટેજ, નેત્રમ કેમેરા અને રિક્ષા ચાલકોની પૂછપરછના આધારે તપાસ તેજ કરવામાં આવી હતી.

ચોરી કરનાર પિતા, પુત્રી અને જમાઈની ધરપકડ પોલીસે આરપીએફ (RPF) અને અન્ય ટીમો સાથે મળીને બસ સ્ટેન્ડ તેમજ રેલવે સ્ટેશનો પર નાકાબંધી હાથ ધરી હતી, જેના આધારે બાવળા રેલવે સ્ટેશન પાસેથી બચ્ચુભાઈ સાડમિયા, તેમની પુત્રી સપનાબેન અને જમાઈ વીનાભાઈ જીલિયાને દબોચી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓ પૈકી બચુભાઈ સામે મોરબીમાં અગાઉ 4 ગુના અને સપનાબેન સામે જેતપુર તથા કાલાવડમાં 2 ગુના નોંધાયેલા છે.