Gujarat

NEET-UG બાદ 4 મહિના કાઉન્સેલિંગ લંબાતાં મેડિકલ શિક્ષણને અસર

દેશમાં તબીબી શિક્ષણના વિસ્તાર માટે MBBSની બેઠકો વધારાઈ છે, પરંતુ કાનૂની કેસો, સીટ મેટ્રિક્સમાં ફેરફારો અને કેન્દ્ર-રાજ્ય વચ્ચેના અસંકલનને કારણે કાઉન્સેલિંગમાં 3 થી 4 મહિનાનો મોટો વિલંબ થઈ રહ્યો છે. 2019માં NEET પરિણામ બાદ માત્ર 57 દિવસમાં વર્ગો શરૂ થઈ જતા હતા, જે 2024-25માં વધીને 119 દિવસે પહોંચ્યા છે. NMCના નિયમ મુજબ પ્રથમ વર્ષનો 13 મહિનાનો અભ્યાસક્રમ માત્ર 9 મહિનામાં પૂરો કરવો પડતાં 65% વિદ્યાર્થીઓ ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા છે. આ વહીવટી વિલંબથી ડ્રોપર્સનું વર્ષ બગડી રહ્યું છે અને વાલીઓ પર આર્થિક બોજ વધી રહ્યો છે.

એક ડેટા મુજબ, 2019માં NEET પરિણામથી ક્લાસ શરૂ થવા વચ્ચે માત્ર 57 દિવસનો સમય લાગતો હતો, જે 2024-25માં વધીને 119 દિવસ (લગભગ 4 મહિના) થઈ ગયો છે. આ વિલંબથી ‘ક્ષમતા-આધારિત તબીબી શિક્ષણ પર અસર પડી છે અને વિદ્યાર્થીઓ પર ટૂંકા સમયમાં વિશાળ અભ્યાસક્રમ પૂરો કરવાનું માનસિક દબાણ સર્જાયું છે. મુખ્ય અસંકલન ઓલ ઈન્ડિયા કવોટો (AIQ) અને સ્ટેટ કવોટા વચ્ચે છે. દર વર્ષે 3,000થી વધુ વિદ્યાર્થીઓ બંને જગ્યાએ સીટ બ્લોક રાખી છેલ્લી ઘડીએ સરન્ડર કરે છે. જેનાથી 30થી 45 દિવસનો વિલંબ થાય છે.