જોડિયા તાલુકાના વાવડી ગામે ખેતરોમાં વીજ થાંભલા નાખવાની કામગીરી સામે ખેડૂતોએ પોતાની રજૂઆત શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે પહોંચાડવા માટે રામદેવપીરજી મહારાજ મંદિર પરિસર ખાતે ””કિસાન સત્યાગ્રહ છાવણી”” ઊભી કરી ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું છે.બીજી બાજુ વધુ એક ઉપવાસીની તબીયત લથડતા તુરંત 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડાયા છે
ગામના હિત અને ખેડૂતોના અધિકાર માટે વાવડી ગામના સરપંચ ભાવેશભાઈ સહિત સાત અગ્રણીઓએ અન્નત્યાગ કરી આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. આ સત્યાગ્રહને સમર્થન આપવા માટે આસપાસના લીંબુડા, અણદા, ભાદરા, કેશીયા અને રામપર ગામના ખેડૂતો પણ મોટી સંખ્યામાં વાવડી ખાતે ઉમટી પડ્યા હતા.
સત્યાગ્રહ છાવણીએ પહોંચેલા તમામ ખેડૂત ભાઈઓનું ગ્રામજનો દ્વારા ઢોલ-નગારા અને પારંપરિક સામૈયા સાથે સ્વાગત કરાયુ હતુ. જયારે ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે, ખેડૂતો વિકાસના વિરોધી નથી પરંતુ તેમની લાગણી અને માંગણીઓને ધ્યાને રાખીને તંત્ર તેમજ વીજ કંપની દ્વારા યોગ્ય અને ખેડૂતલક્ષી સંવાદ સાધીને કાયમી નિરાકરણ લાવવામાં આવે.

