Gujarat

જામનગરમાં CCTVથી વાહનચાલક ઝડપાયો કારમાંથી બ્લેક ફિલ્મ હટાવી, દંડ કરાયો

જામનગરમાં પોલીસની સીસીટીવી સર્વેલન્સ (નેત્રમ્) ટીમે એક મોટરકારને કાળા કાચની ફિલ્મ સાથે ઝડપી પાડી હતી. સીસીટીવી ફૂટેજના આધારે વાહનચાલકને શોધી કાઢી, કાર પરથી બ્લેક ફિલ્મ દૂર કરાવી અને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની, પોલીસ હેડક્વાર્ટરના ડીવાયએસપી વી.કે. પંડ્યા અને શહેર ડીવાયએસપી જે.એન. ઝાલાની સૂચનાથી સીસીટીવી સર્વેલન્સ ટીમ અને ટ્રાફિક શાખાને કાળા કાચવાળા વાહનો સામે કાર્યવાહી કરવા આદેશ અપાયો હતો.

આ સૂચનાના અનુસંધાને જામનગરના વિવિધ માર્ગો પર સીસીટીવી કેમેરા દ્વારા વાહનો પર નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન GJ10 DR 2141 નંબરની એક કારના કાચ પર ડાર્ક ફિલ્મ લગાવેલી હોવાનું સીસીટીવી સર્વેલન્સમાં જણાયું હતું. પોલીસે વિવિધ એપ્લિકેશન અને સર્વેલન્સની મદદથી કારના ચાલક અને માલિકની વિગતો મેળવી તેમને બોલાવ્યા હતા.

પોલીસે સ્થળ પર જ કારના કાચ પરથી કાળી ફિલ્મ તાત્કાલિક દૂર કરાવી હતી અને વાહનચાલક સામે દંડનીય કાર્યવાહી કરી હતી. પીએસઆઈ બી. બી. સિંગલની નેત્રમ્ ટીમ અને ટ્રાફિક શાખાના પી.આઈ. એસ. વી. ચૌધરીના સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે જામનગર શહેર અને જિલ્લામાં ડાર્ક ફિલ્મવાળા વાહનો સામે વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. સીસીટીવી કેમેરાની મદદથી આવા વાહનોને ઓળખી સ્થળ પર અથવા પોલીસ સ્ટેશન બોલાવી કાયદેસરની કાર્યવાહી કરાઈ રહી છે.