Gujarat

કાલાવડ કોર્પોરેટરને પુત્રના અપહરણની ધમકી

જામનગર જિલ્લાના કાલાવડમાં વોર્ડ નંબર 3ના કોર્પોરેટર પરસોતમભાઈ મગનભાઈ હીરપરાને ફેસબુક સ્ટોરી મુદ્દે ધમકી મળી છે. અજાણ્યા નંબર પરથી ફોન કરીને તેમના પુત્રના અપહરણની ધમકી આપવામાં આવી હતી. આ મામલે કાલાવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદ મુજબ, પરસોતમભાઈ હીરપરાએ તેમની ફેસબુક સ્ટોરીમાં “દંપતી પર હુમલો કરનાર 4 આરોપીને કોર્ટની સજા” સંબંધિત એક સમાચાર પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ બાદ તેમને એક મોબાઈલ નંબર (77779*****) પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. ફોન કરનારે તાત્કાલિક સ્ટોરી ડિલીટ કરવાની માગ કરી હતી. કોર્પોરેટર પરસોતમભાઈએ સ્ટોરી હટાવવાની ના પાડતાં ફોન કરનારે અપશબ્દો બોલ્યા હતા. તેણે ધમકી આપી હતી કે, તેને પરસોતમભાઈના પુત્ર ક્યાં ભણે છે તેની જાણ છે અને તે તેને ઉપાડી જશે. ફરિયાદમાં જણાવાયું છે કે આ પછી પણ સતત ફોન કોલ આવતા રહ્યા હતા.

તપાસ કરતાં ફોન કરનાર વ્યક્તિ અલ્પેશભાઈ વીનુભાઈ ડોબરીયા હોવાનું ફરિયાદીને જાણવા મળ્યું હતું. સાંજના સમયે પોલીસ ફરિયાદ કરવાની જાણ થતાં આરોપીએ ફરી વોટ્સએપ કોલ કર્યો હતો અને “તું અત્યારે જ ફરિયાદ કરી આવ, પછી તું ક્યાં જઈશ” તેવી ધમકી આપી હતી.