Gujarat

વાસાવડના સરદાર સીઝન સ્ટોરમાં આગ

ગોંડલના વાસાવડમાં શાકમાર્કેટ નજીક આવેલા સરદાર સીઝન સ્ટોરમાં આગ લાગી હતી. પ્રાથમિક તપાસ મુજબ, દુકાનમાં વેલ્ડિંગ કામ ચાલી રહ્યું હતું ત્યારે તણખા ઉડવાથી આગ લાગી હોવાનું મનાય છે.

દુકાનમાં પ્લાસ્ટિકના રમકડાં, પીવીસીનો સામાન અને ફટાકડાનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો. વેલ્ડિંગના તણખા નીચે પડેલા ફટાકડાના જથ્થા પર પડતાં તે એકાએક સળગી ઉઠ્યો હતો, જેના કારણે અન્ય પ્લાસ્ટિકનો સામાન પણ આગની ઝપેટમાં આવી ગયો.

આગ લાગતા જ દુકાન માલિકે તાત્કાલિક ફાયર સેફ્ટીના બાટલાનો ઉપયોગ કર્યો હતો. આસપાસના દુકાનદારો અને સ્થાનિક લોકોએ પણ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં મદદ કરી હતી. આ ઘટનામાં દુકાનમાં રહેલો મોટાભાગનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. જોકે, નુકસાનનો ચોક્કસ આંકડો હજુ જાણી શકાયો નથી. આગને કારણે આસપાસની દુકાનો તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી અને ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.