Gujarat

ભાજપના પૂર્વ કાઉન્સિલરે સંખેડા પોલીસ સ્ટેશનના 5 પોલીસકર્મીઓ સામે DGPને અરજી કરી, ગુનાહિત ષડયંત્રના આક્ષેપ કર્યા

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોષી સામે દારૂની ફરિયાદના કેસમાં વિવાદ વધી રહ્યો છે. વડોદરાના ભાજપના પૂર્વ કાઉન્સિલર અને કોંગ્રેસના નેતા પારૂલબેન પટેલે ગૃહમંત્રી અને ગુજરાતના પોલીસ મહાનિર્દેશક સંખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત 5 પોલીસકર્મીઓ સામે લેખિત અરજી કરી ગુનો નોંધવાની માગ કરી છે.

પ્રમોદ પાંડે સામેની ફરિયાદમાં ઓછી કલમો લગાવાઈ હોવાની રજૂઆત અરજીમાં સંખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ જે. યુ. ગોહીલ, પોલીસ કોન્સ્ટેબલ રાહુલસિંહ ઘનશ્યામસિંહ, એએસઆઈ રાયસંગભાઈ જેસીંગભાઈ, પીએસઆઈ વિજયકુમાર દિપસિંહ બારીયા તેમજ એએસઆઈ બાબુભાઈ ગોરધનભાઈ પરમારને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આરોપી પ્રમોદ પાંડે સામે ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે બદઈરાદાપૂર્વક ફરિયાદમાં ઓછી કલમો લગાવવામાં આવી હતી, જેથી આરોપીને સહેલાઈથી જામીન મળી શકે. વધુમાં આરોપીઓએ નામદાર કોર્ટ સમક્ષ ખોટો રિપોર્ટ રજૂ કર્યો હોવાનું પણ અરજીમાં જણાવાયું છે. પારૂલબેન પટેલે ભારતીય ન્યાય સંવિધાનની કલમ 246, 257 અને 61 મુજબ સંબંધિત પોલીસકર્મીઓ સામે ગુનો નોંધવાની માંગ સાથે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે

શું હતો સમગ્ર મામલો? સંખેડા પોલીસ મથકના પી.આઈ.ના જણાવ્યા અનુસાર 23 માર્ચના રોજ તેઓ પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેઓને બાતમી મળી હતી કે એક ઇકો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો જઈ રહ્યો છે. જેના આધારે તેઓએ વોચ ગોઠવી શંકાસ્પદ ઇકો ગાડીને રોકી તપાસ કરતા તેમાંથી 299 નંગ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. અંદાજે 3 લાખનો જથ્થો મળ્યો હતો. તેનો ચાલક પ્રમોદ નામનો વ્યક્તિ હતો અને તેને કબુલ્યું હતું કે આ જથ્થો વડોદરા ખાતે આશિષ જોષી નામના વ્યક્તિને આપવાનો હતો જેનો મોબાઈલ નંબર આપવામાં આવ્યો હતો. જેના આધારે પોલીસે તપાસ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આશિષ જોષીના કોલ રેકોર્ડના આધારે આ બંને સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું હતું.

સંખેડા પોલીસે વોર્ડ 15ના કાઉન્સિલર આશિષ જોષી સામે ગુનો નોંધ્યો હતો. આ કેસમાં અમદાવાદ રામોલ પોલીસે તેઓની ધરપકડ કરી હતી અને તેને સંખેડા પોલીસને સોંપવામાં આવ્યા હતા. તેઓને સંખેડા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ કેસમાં આશિષ જોષી સામે સંગઠિત ટોળકી થકી ક્રાઇમ આચરવાની કલમ લગાવવાને લઇને વિવાદ ઉભો થયો હતો. જેની સામે કોર્ટ એ સ્ટે આપ્યો હતો.