સૌરાષ્ટ્રના ઐતિહાસિક શહેર જામનગર (નવાનગર) દ્વારા શ્રાવણ સુદ સાતમના પવિત્ર દિવસે પોતાના 487મા સ્થાપના દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ વિશેષ પ્રસંગે જામનગર મહાનગરપાલિકા તેમજ વિવિધ સામાજિક સંગઠનો દ્વારા સ્થાપનાની ખાંભીનું પૂજન અને પૂર્વ રાજવીઓની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવા સહિતના વિવિધ સાંસ્કૃતિક અને પરંપરાગત કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
ઉજવણીના ભાગરૂપે વહેલી સવારે દરબારગઢ સર્કલ પાસે આવેલા દિલાવર સાયકલ સ્ટોર્સ નજીક જામનગર શહેરની સ્થાપનાની ખાંભીનું વિધિવત પૂજન મેયર મોનિકાબેન વ્યાસના વરદ હસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડીયા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી અને દંડક પ્રવિણાબેન રૂપડીયા સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. ખાંભી પૂજન બાદ તમામ મહાનુભાવોએ શહેરમાં સ્થિત પૂર્વ રાજવીઓની વિવિધ પ્રતિમાઓને પુષ્પહાર અર્પણ કરીને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા.
મહાનગરપાલિકાના કાર્યક્રમ ઉપરાંત જામનગર શહેર-જિલ્લા રાજપૂત યુવા સંઘ દ્વારા પણ સ્થાપના દિવસ નિમિત્તે પરંપરાગત રીતે ખાંભી પૂજનનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત તમામ અગ્રણીઓ અને સમાજના લોકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

