Gujarat

દેવભૂમિમાં દરિયાઇ-વન્ય જીવોના અંગોના ગેરકાયદે વેપલાનો પર્દાફાશ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રતિબંધિત અને અમૂલ્ય વન્યજીવ તેમજ દરિયાઈ સૃષ્ટિના અંગોની ગેરકાયદેસર હેરફેર અને વેચાણ કરતા તત્વો સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપે લાલ આંખ કરી છે જેમાં ખંભાળિયામાં જુદા જુદા બે દરોડામાં પોલીસે વ્હેલ માછલીની ઉલટી,કસ્તુરી અને સિંહના બે નખ સહિત રૂા. 1.08 કરોડના પ્રતિબંધિત મુદામાલ સાથે અમરેલીના બે અને ધ્રોલના એક શખસને દબોચી લીઘો હતો.પોલીસે જપ્ત કરાયેલો મુદામાલ વન તંત્રને સુપરત કરતા કાર્યવાહી સાથે તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે.

દેવભૂમિ દ્વારકા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઇ વી.એ. રાણાની રાહબરી હેઠળ પીએસઆઇ વી.એન. સિંગરખીયાના નેતૃત્વમાં પોલીસ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળા પોલીસ ટીમને ખંભાળિયા-જામનગર હાઇવે પર મઢુલી હોટલ આસપાસ બે શખસો વ્હેલ માછલીની ઉલટી(એમ્બરગ્રીસ)ના વેચાણ અર્થે આંટા ફેરા કરી રહયા છે એવી બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્વરીત ત્યા દોડી જઇ રાકેશ ભગવાનભાઈ સાંખટ (રે. કોટડી, તા. રાજુલા,અમરેલી) અને લાખાભાઈ બાલાભાઈ ડોડીયા (રે. નાગેશ્રી, તા. જાફરાબાદ,અમરેલી)ને સકંજામાં લીઘા હતા જેઓ પાસથી પોલીસને કાળા કલરની કોથળીમાં રાખેલુ અંદાઝિત રૂા. 1,06,50,000ની કિંમતનુ 1 કિલો 65 ગ્રામ એમ્બરગ્રીસ મળી આવ્યુ હતુ.

જે દરમિયાન એસઓજીએ થોડા અંતરાલે વધુ એક બાતમી મળી હતી કે, શહેરની ભાગોળે સરકારી હોસ્પિટલ બાજુના હનુમાનજી મંદિર પાસે એક શખ્સ કસ્તુરી અને સિંહના અસલ નખ વેચવા ફરી રહ્યો છે.આથી ઉપરોકત સ્થળે દોડી જઇ પોલીસે વોચ ગોઠવીને ફિરોઝભાઈ મામદભાઈ મકવાણા (રે. ધ્રોલ, જિ. જામનગર) ને ઝડપી લીધો હતો.

પોલીસને તેની અંગઝડતી લેતા પેન્ટના નેફામાંથી લગભગ રૂા. 1,00,000ની કિ઼મતની એક નંગ કસ્તુરી અને લગભગ રૂા. 20 હજારની કિંમતના મનાતા સિ઼હના બે નખ મળી આવ્યા હતા.આથી પોલીસે જુદા જુદા દરોડામાં પકડાયેલા ત્રણેય શખસો પાસે કિંમતી વન્યજીવ અંગે રાખવા અંગે કોઇ આધાર પુરાવા ન હોવાથી રૂા.રૂા. 1,07,70,000નો પ્રતિબંધિત મુદામાલ જપ્ત કર્યો હતો.