Gujarat

દરેડ GIDCએ 8 હજાર કિલો કેરીનું જરૂરિયાતમંદોને વિતરણ કર્યું

જામનગર નજીક દરેડ જીઆઇડીસી (ફેઝ-૩) માં ‘એલ રોડ મિત્ર મંડળ’ દ્વારા સમાજ સેવા માટે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ મંડળ દર વર્ષે હજારો કિલો કેરીનું વેચાણ કરી તેમાંથી મળતા નફાનો ઉપયોગ સત્કાર્યોમાં કરે છે. ચાલુ વર્ષે આ જૂથે અંદાજિત 8,000 કિલો ઉચ્ચ ગુણવત્તાયુક્ત કેરીનું સફળતાપૂર્વક વેચાણ કર્યું છે.

મંડળનું સંચાલન મનસુખભાઈ પટેલ અને એલ રોડ પરના કારખાનાઓના શેડ ધારક મિત્રોના સહયોગથી થાય છે. મનસુખભાઈ પટેલના જણાવ્યા અનુસાર, તેઓ પોતાના કારખાનાની જગ્યા પર જ કેરીની ગાડીઓ ઉતારી અત્યંત નજીવા નફા સાથે ઉદ્યોગકાર મિત્રો અને પરિચિતોમાં તેનું વિતરણ કરે છે. આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે એક વિશેષ વૉટ્સએપ ગ્રુપ પણ કાર્યરત છે, જેના દ્વારા નવા જથ્થાની જાણ કરવામાં આવે છે.

આ વ્યવસાયિક પ્રવૃત્તિ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સેવા છે. કેરીના વેચાણ થકી એકત્ર થતા નફાના ભંડોળનો ઉપયોગ ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગના ઉત્કર્ષ તેમજ જીવદયાના કાર્યોમાં થાય છે. આ ભંડોળમાંથી ગરીબ વિદ્યાર્થીઓને બટુક ભોજન, ગાયો માટે પીવાના પાણીની કુંડીઓ, પક્ષીઓ માટે માળા, ચણ અને પાણીના કુંડાની વ્યવસ્થા તેમજ માતા-પિતા વિહોણા નિરાધાર બાળકોની શિક્ષણ ફી ભરવા જેવી ઉમદા કામગીરી કરવામાં આવે છે.

આ સેવાકીય યાત્રા અંતર્ગત તાજેતરમાં અલિયાબાડા ખાતે આવેલી અનુદાની નિવાસી પ્રાથમિક શાળામાં બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ખંભાળિયા રોડ પર સ્થિત નાલંદા આશ્રમની સ્કૂલના બાળકો અને ‘વડીલ વાત્સલ્ય ધામ’ ખાતે આશ્રય લઈ રહેલા નિરાધાર વૃદ્ધોને પણ સ્વાદિષ્ટ ભોજન પીરસવાનું આયોજન કરાયું છે.