Gujarat

ભરૂચમાં બનાવટી દસ્તાવેજ-આર્મ્સ એક્ટના ગુનામાં આરોપી સામે 2013માં વોરંટ જારી થયું હતું

ભરૂચમાં 2012માં નોંધાયેલા બનાવટી દસ્તાવેજો અને આર્મ્સ એક્ટના ગુનામાં 14 વર્ષથી ફરાર આરોપીને પોલીસે ઉત્તર પ્રદેશના નોએડામાંથી ઝડપી પાડ્યો છે. ભરૂચ ‘સી’ ડિવિઝન પોલીસે ટેકનિકલ તપાસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કાર્યવાહી કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, ભરૂચ ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 11 મે, 2012ના રોજ બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા અને તેનો ઉપયોગ કરવા, કાવતરું રચવા સહિતની કલમો તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.

આ ગુનામાં ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાના કિશની વિસ્તારના રહેવાસી અરવિંદકુમાર કોમલસીંગ યાદવ (ઉં.વ. 42) ફરાર હતો. તેની સામે 7 સપ્ટેમ્બર, 2013ના રોજ કોર્ટે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. આરોપીને શોધવા પોલીસે અનેક ફોનકોલ રેકોર્ડ્સનો અભ્યાસ કરીને ટેકનિકલ એનાલિસિસ કર્યું હતું. હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપી નોએડામાં હોવાની માહિતી મળતાં ભરૂચ ‘સી’ ડિવિઝન પોલીસની ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી હતી.