Gujarat

ફતેગંજમાં બિલ્ડરે ફ્લેટ બુકિંગના નામે ₹40 લાખ પડાવ્યા, સયાજીગંજમાં વધુ વ્યાજની લાલચે બે લોકો સાથે ₹8.45 લાખની ઠગાઈ

વડોદરા શહેરમાં રોકાણ પર વધુ વળતરની લાલચ આપીને નાગરિકો પાસેથી નાણાં પડાવી લેવાના વધુ ત્રણ બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. ફતેગંજ અને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ ત્રણેય ફરિયાદોના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

વિવાદિત પ્રોજેક્ટમાં ફ્લેટ બુકિંગના નામે ₹40 લાખની ઠગાઈ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ફતેગંજના હેમદીપ ફ્લેટમાં રહેતા રવિન્દ્ર યશવંતરાય પરમેકર સાથે રૂ. 40 લાખની છેતરપિંડી થઈ છે.

‘ઇન્ફીબ્રીક્સ ડેવલપર્સ’ના માલિક આરોપી માજીદખાન જફરુલ્લાખાન પઠાણે જીમખાના રોડ પર આવેલી ‘ધ વિસ્ટા’ નામની સાઇટ વિવાદમાં હોવાનું અને બાંધકામ બંધ હોવાનું જાણવા છતાં ફરિયાદીને લોભામણી વાતો કરી વિશ્વાસમાં લીધા હતા. ત્યાર બાદ ફ્લેટ બુકિંગના નામે ₹40 લાખનું રોકાણ કરાવ્યું હતું. જોકે, આજદિન સુધી ન તો ફ્લેટનું બુકિંગ કરી આપ્યું કે ન તો રોકાણની રકમ પરત કરી હતી.

સમૃદ્ધ જીવન સોસાયટીના નામે ₹3.95 લાખની છેતરપિંડી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં સમૃદ્ધ જીવન મલ્ટીસ્ટેટ મલ્ટી પર્પઝ કો-ઓપરેટિવ સોસાયટીમાં રોકાણના નામે છેતરપિંડીની બે અલગ-અલગ ફરિયાદો 21 નવેમ્બર, 2026ના રોજ નોંધાઈ છે.

પ્રથમ ફરિયાદ મુજબ, અકોટા વિસ્તારમાં રહેતી નેહા દીપક દોશીના લગ્ન પહેલાં વર્ષ 2013થી 2016 દરમિયાન આરોપી પ્રીતિ મરાઠેએ તેમના માતા-પિતાના ઘરે જઈને સોસાયટીમાં રોકાણ કરવાથી વધુ વ્યાજ મળશે તેવી ખાતરી આપી હતી. આ લાલચમાં આવી ફરિયાદીના પિતાએ કુલ રૂ. 3.95 લાખનું રોકાણ કર્યું હતું, જે સમય વીતી જવા છતાં પરત ન આપી વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે.