ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ તીર્થ ખાતે આવેલા પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ પર ભાજપ પરિવારે મહાઆરતીનું આયોજન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને વડાપ્રધાન તરીકેના સૌથી લાંબા કાર્યકાળની ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, આગેવાનો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાંજના સમયે ત્રિવેણી સંગમના કિનારે દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યો હતો. વૈદિક મંત્રોચ્ચાર, શંખનાદ અને આરતીના સ્વરો ગુંજી ઉઠ્યા હતા. ઉપસ્થિત લોકોએ દેશની સમૃદ્ધિ, વિકાસ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. હજારો દીવડાઓના પ્રકાશથી સંગમ ઘાટ પર અલૌકિક દૃશ્યો સર્જાયા હતા.

આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી કૌશિક વેકરિયા, સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. સંજય પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા અને જિલ્લા પંચાયત સદસ્ય મહેન્દ્ર પીઠીયા સહિત ભાજપના અનેક હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા. મહાનુભાવોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશે વિવિધ ક્ષેત્રોમાં હાંસલ કરેલી સિદ્ધિઓ અને વિકાસયાત્રાની પ્રશંસા કરી હતી.

