આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં આ વર્ષના ચોમાસાના પહેલા વરસાદે જ નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી નિષ્ફળ છે તેવી પોલ ખોલી નાખી છે. શહેરના શેખડી રોડ પર આવેલા મલાવ તળાવ નજીક પાલિકા દ્વારા લાખો રૂપિયાના અધધ ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે કાંસ (ડ્રેનેજ નાળું) બનાવવામાં આવ્યો હતો. જાેકે, આ કાંસ આગળ જતાં અત્યંત નાના ભૂંગળા સાથે જાેડવામાં આવ્યો હોવાથી વરસાદી પાણીનો યોગ્ય જથ્થામાં નિકાલ થઈ શક્યો નહોતો. તંત્રના અણઘડ આયોજનના કારણે પાણીનો સંગ્રહ થઈને પાછળ માર્ગો પર ફરી વળ્યો હતો.
કાંસમાંથી પાણી આગળ વહેતા આસપાસના રહેણાંક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા. ઘરોમાં પાણી ભરાઈ જવાથી અનાજ, કિંમતી સામાન અને ઘરવખરી પલળી જતાં રહીશોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ સર્જાયેલી આ આફતથી પાલિકા તંત્ર સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે.
સ્થાનિક તંત્ર દ્વારા લાખોના ખર્ચે બનાવેલા કાંસ અને આગળ મુકેલા નાના ભૂંગળાની વાસ્તવિકતા બતાવીને નગરપાલિકાની હલકી ગુણવત્તાવાળી અને અણઘડ કામગીરી ખુલ્લી પાડી હતી. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પેટલાદ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

