જૂનાગઢ શહેરમાં નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા તત્વો દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી માટે અવનવા રસપ્રદ કીમિયા અજમાવવામાં આવી રહ્યા છે, પરંતુ પોલીસની સતર્કતા સામે ગુનેગારોની તમામ યુક્તિઓ નિષ્ફળ સાબિત થઈ રહી છે. તાજેતરમાં જૂનાગઢ શહેરમાં ઓડીશા રાજ્યમાંથી ટપાલ એટલે કે પોસ્ટ મારફતે મંગાવવામાં આવેલો વનસ્પતિજન્ય નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો પકડી પાડવામાં જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે SOG ટીમને મોટી સફળતા મળી છે.

2.51 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ જૂનાગઢ એસ.ઓ.જી. પોલીસે ઓડીશાથી ભવનાથ પોસ્ટ ઓફિસ મારફતે મંગાવવામાં આવેલો 4.239 કિલોગ્રામ કિંમત રૂ. 2,11,950 /-વનસ્પતિજન્ય ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે મોપેડ અને મોબાઈલ સહિત કુલ રૂ. 2,51,950/- ના મુદ્દામાલ સાથે રઇશખાન પઠાણ અને સોહીલ શેખની ધરપકડ કરી છે, જ્યારે અમિત ઉર્ફે ચેમ્પિયન સહિત 5 આરોપીઓ ફરાર છે.
SOG ટીમના પોલીસ કોન્સ્ટેબલ રોહિત ધાધલ તેમજ કૃણાલસિંહ પરમારને ખાનગી બાતમી મળી હતી કે જૂનાગઢના અમિત ઉર્ફે ચેમ્પિયન અને કિરણ રાઠોડ નામના શખ્સોએ ઓડીશા રાજ્યમાંથી ટપાલ સેવા મારફતે પ્રતિબંધિત નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો મંગાવેલો છે. આ પાર્સલ ભવનાથ પોસ્ટ ઓફિસ ખાતે આવી પહોંચ્યું છે.

