જૂનાગઢ પોલીસ અને તાલુકા પોલીસની ટીમે અલગ-અલગ વિસ્તારોમાં સપાટો બોલાવીને દારૂની હેરાફેરી કરતા બુટલેગરો અને ગેરકાયદેસર હથિયાર રાખનારા તત્વો સામે લાલઆંખ કરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના બાદ પોલીસ તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવ્યું છે, જેના ભાગરૂપે જુદા-જુદા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ ઓપરેશન દરમિયાન પોલીસે દેશી તેમજ વિદેશી દારૂ અને ઘાતક હથિયાર સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે.

પંચેશ્વરમાં એક મકાનમાંથી 1.14 લાખનો દેશી દારૂ જપ્ત જૂનાગઢના પંચેશ્વર વિસ્તારમાં પોલીસે દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પંચેશ્વર સોસાયટીમાં આવેલા એક મકાનના ડેલામાંથી સફેદ રંગની કારમાં દેશી દારૂના બાચકા ભરવામાં આવી રહ્યા હોવાની વિગતો સામે આવતા પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન આરોપી મુંજા વેજા કરમટા 114000 રૂપિયાની કિંમતનો 570 લીટર દેશી દારૂનો જથ્થો અને 55000 રૂપિયાની કિંમતની કાર સહિત કુલ 179000 રૂપિયાનો મુદ્દામાલ ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો.
આ જ ઓપરેશનના આગળના ભાગરૂપે પંચેશ્વર રોડ પર કન્યા છાત્રાલયની સામે જાહેર રોડ પરથી પોલીસે વીરા ધાના મુછાળ નામના 37 વર્ષીય શખ્સને 14000 રૂપિયાની કિંમતના 220 લીટર દેશી દારૂના બાચકા, 50000 રૂપિયાની કિંમતની અન્ય એક કાર અને 10000 રૂપિયાના મોબાઇલ ફોન સાથે રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસે આ બંને કિસ્સામાં દેશી દારૂ અને બે કાર મળી કુલ 283000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

