Gujarat

પ્રેમસંબંધની શંકામાં યુવકની હત્યા કરી લાશ સળગાવનાર 3ને આજીવન કેદ

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં વર્ષ 2020માં પ્રેમસંબંધની શંકાને પગલે યુવકની ઘાતકી હત્યા કરી લાશ સળગાવી પુરાવાનો નાશ કરવાના ચકચારી કેસમાં સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે ત્રણેય આરોપીઓને હત્યાના ગુનામાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.

2020માં હત્યાનો બનાવ બન્યો’તો 16 જાન્યુઆરી 2020ના રોજ કિશનવાડી વુડાના મકાનમાં રહેતા અનિલ ઉર્ફે અન્નુ ભગવાનદાસ રાજપૂત રૂષાંક ઉર્ફે નન્નુ રઘુનાથ માતવંકરને કોર્ટમાં જવાનું હોવાનું કહી પોતાની સાથે લઈ ગયો હતો.

જોકે, રૂષાંક મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. બીજી તરફ પોલીસ તપાસ દરમિયાન વેજલપુરથી અડાદરા તરફ જતા માર્ગે ખેતરના શેઢા પાસે પાણીના કાંસ નજીકથી એક યુવકની સંપૂર્ણ સળગેલી હાલતમાં રૂષાંકની લાશ મળી આવી હતી.

મૃતકના એક મહિલા સાથે આડાસંબંધની આશંકા હતી આરોપીઓને એક મહિલાની સાથે રૂષાંકના આડાસંબંધ હોવાની શંકા હતી. જેથી પૂર્વયોજિત કાવતરું ઘડી રૂષાંકને કિશનવાડીના બ્લોક નં.50ના રૂમમાં લઈ જઈ માર મારી તેની હત્યા કરવામાં આવી હતી.

ત્યારબાદ લાશને કંતાનના કોથળામાં ભરી રિક્ષામાં લઈ જઈ ખેતરમાં સળગાવી પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો.આ કેસમાં વારસીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ તપાસ પૂર્ણ કરી આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.