Gujarat

લ્યો બોલો અન્ડર પાસમાં ટેમ્પો ફસાયો

વડોદરાના અતિ વ્યસ્ત અલકાપુરી રેલવે ગરનાળામાં એક ટેમ્પો ફસાઈ જવાની ઘટના સામે આવી છે. આ બનાવના કારણે રસ્તા પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. અંતે જેસીબીની મદદ લઈને ટેમ્પોને ગરનાળામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને ટ્રાફિક પૂર્વવત શરૂ કરાયો હતો.

ગૂગલ મેપના લીધે ટેમ્પો ગરનાળામાં ફસાયો સયાજીગંજ વિસ્તારમાંથી પસાર થઈ અલકાપુરી તરફ જઈ રહેલો આ ટેમ્પો નીચા ગરનાળામાં આવીને અચાનક અટવાઈ ગયો હતો. મળી આવેલી વિગતો અનુસાર ટેમ્પો ચાલક ગૂગલ મેપના નેવિગેશનના આધારે વાહન ચલાવી રહ્યો હતો. દરમિયાન અલકાપુરી પાસે આવેલા આ અન્ડરપાસની સાચી ઊંચાઈનો યોગ્ય અંદાજ ન મળતા ટેમ્પો ગરનાળાની અંદર જઈને ફસાઈ ગયો હતો.

પોલીસે જેસીબી વડે ટેમ્પો બહાર કાઢ્યો ટેમ્પો ફસાઈ જવાને કારણે અન્ડરપાસનો એક તરફનો આખો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. જેના લીધે ગરનાળાની બંને બાજુએ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તેમણે જેસીબી મશીન બોલાવીને ટેમ્પોને સફળતાપૂર્વક બહાર કાઢવાની કામગીરી પૂર્ણ કરી હતી.