અમદાવાદના સાબરમતી નદીમાં થોડા દિવસ પહેલા મળેલી બિનવારસી લાશના કેસમાં હવે ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૂઆતમાં અજાણ્યા યુવકની લાશ મળતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો તો પરંતુ આ કેસ હવે હત્યામાં ફેરવાયો છે. યુવક પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરીને નદીમાં ફેંકી દીધો હતો, ચહેરો ખરડાયેલો… શરીર પર ઘાથી મર્ડર મિસ્ટ્રી પોલીસે સોલ્વ કરી.
મૃતકની ઓળખ ગાંધીનગર જિલ્લાના રાધેજા ગામના પ્રજાપતીવાસમાં રહેતા ધવલ સોમાભાઈ રાવળ તરીકે થઈ છે. આ મામલે તેના પિતા સોમાભાઈ રાવળે સાબરમતી રીવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે.
ભાગોળે બેસવા ગયો અને ઘરે પરત ન ફર્યો મળતી માહિતી મુજબ, 66 વર્ષીય સોમાભાઈ રાવળ મૂળ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ ગામના વતની છે અને હાલમાં રાધેજા ગામમાં રહે છે. તેઓ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. સોમાભાઈને બે પુત્ર અને પાંચ પુત્રીઓ છે. તેમના મોટા પુત્ર મહેશને આંખની ગંભીર તકલીફ હોવાથી તેને દેખાતું નથી, જ્યારે નાના પુત્ર ધવલે વર્ષ 2017માં ગુલાબ નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. દંપતીને પાંચ વર્ષનો એક પુત્ર છે. જોકે, પારિવારિક મતભેદોને કારણે ધવલની પત્ની છેલ્લા દોઢ વર્ષથી પીયરમાં રહેતી હોવાનું સામે આવ્યું છે.
પેથાપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાઈ ગુમશુદગીથી શરૂ થયેલી ઘટના થોડા દિવસ પહેલાં સોમાભાઈ રોજની જેમ રિક્ષા લઈને કામ પર નીકળ્યા હતા. તે સમયે તેમના બંને પુત્ર મહેશ અને ધવલ ઘરે હાજર હતા. રાત્રે ઘરે પરત ફર્યા બાદ સોમાભાઈએ ધવલ અંગે પૂછપરછ કરતા મહેશે જણાવ્યું કે, ધવલ ભાગોળે બેસવા માટે ગયો છે.
પરંતુ મોડીરાત સુધી ધવલ ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. સોમાભાઈએ પોતાના સગા-સંબંધીઓ તથા ઓળખીતાઓ પાસે ધવલ અંગે પૂછપરછ કરી હતી, છતાં કોઈ માહિતી મળી નહોતી. અંતે તેમણે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ધવલ ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

