CGST કચેરીમાં GST નંબર ભરવા અને ખોટા બીલો બાબતે થયેલ અરજીની પતાવટ માટે રૂ.20 લાખની લાંચની માંગણી કરનાર અને આ રકમ સ્વીકારનાર વકીલને ખાસ કોર્ટના જજ ટી.એસ. બ્ર્હ્મભટ્ટે 36 કલાકના પોલીસ રીમાન્ડ મંજુર કર્યા છે. એસીબીએ છટકું ગોઠવી આરોપીઓને ઝડપી પાડ્યા હતા ફરિયાદી વિરૂધ્ધ GST નંબર ભરવા અને ખોટા બીલ બનાવવા બાબતે અરજી થઇ હતી.
આ અરજીમાં કોઈ મોટો કેસ નહી કરવાના અવેજ પેટે CGST સુપ્રિટેન્ડ મુકેશકુમાર મનબોધકુમારએ રૂ.25 લાખની લાંચની માંગણી કરી રૂ.20 લાખમાં સેટલમેન્ટ કર્યું હતું અને આ રકમ ફરીયાદીએ ટેક્ષ કન્સલટન્ટ આકાશ રમેશભાઈ કલોલીયાને આપી દેવા જણાવ્યું હતું. તા.28.04.2026ના રોજ રાત્રિના સમયે અધિકારી વતી કન્સલટન્ટ આકાશે રૂ.20 લાખની લાંચની રકમ સ્વીકારી હતી જે રંગે હાથ પકડાઈ જતા એસીબી દ્વારા બંને આરોપીઓ વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુન્હો દાખલ કરી રીમાન્ડની માંગણી કરવામાં આવી હતી.
બંને આરોપીઓ તરફે રીમાન્ડ અરજી વિરૂધ્ધ રજુઆત કરવામાં આવી હતી કે, પોલીસ તપાસ કરવા માટે તમામ મુદાઓ તેઓએ જણાવી દીધા છે તેથી બંને આરોપીઓની શારીરીક હાજરીની કોઈ જરૂર નથી. જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ રજુઆત કરતા જણાવ્યું હતુ કે, બંને આરોપીઓએ જે હકિકતો જણાવી છે તે તેઓએ પોતાની રીતે પસંદ કરીને જણાવ્યું છે. બંનેમાંથી કોઈ આરોપીએ પોતાના કે પોતાના પરિવારના નામે શું શું મિલકતો છે તે જણાવ્યું નથી.

