જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરી પાટીયા પાસે આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસ અને ક્રેટા કાર વચ્ચે થયેલી ટક્કરમાં કારચાલક દેવાણંદભાઈ કાંબરીયાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
પ્રાથમિક માહિતી મુજબ, GJ-10-DA-5899 નંબરની ક્રેટા કાર સણોસરી પાટીયા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેનું ટાયર ફાટી ગયું હતું. ટાયર ફાટતા કારચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર સામેથી આવી રહેલી GJ-03-BV-6127 નંબરની ‘મહાદેવ’ નામની ખાનગી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં ક્રેટા કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો હતો. કારમાં સવાર દેવાણંદભાઈ કાંબરીયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે પ્રયાસો કર્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

