Gujarat

બીથલીના શખ્સ શાકભાજી ખરીદવા આવ્યા અને અકસ્માત સર્જાયો‎

ડભોઇ નગરમાં આવેલી સહયોગ શાક માર્કેટ પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શાકભાજી ખરીદવા આવેલા એક ઇકો કારના ચાલકે કાર પરનો કાબૂ ગુમાવી દેતાં કાર સીધી તળાવમાં ખાબકી હતી. જોકે, સ્થાનિકોની સમયસૂચકતાને કારણે કાર ચાલકને હેમખેમ બહાર કાઢી લેવાતા એક મોટી હોનારત ટળી છે .

મળતી માહિતી મુજબ, શિનોર તાલુકાના બીથલીના રહેવાસી નિલેશભાઈ પાટણવાડીયા ઇકો કાર લઈને ડભોઇના સહયોગ શાક માર્કેટ ખાતે શાકભાજીની ખરીદી કરવા માટે આવ્યા હતા. માર્કેટના ફૂટપાથ નજીક કાર પાર્ક કરતી વખતે અથવા વળાંક લેતી વખતે અચાનક જ સ્ટેયરિંગ પરથી તેમનો કાબૂ છટકી ગયો હતો. કાબૂ ગુમાવતા જ ઇકો કાર તળાવના કિનારા તરફ ધસી ગઈ હતી અને જોતજોતામાં ઊંડા પાણીમાં ખાબકી હતી.

કાર તળાવમાં ખાબકતા જ આસપાસના શાકભાજી વિક્રેતાઓ અને ખરીદી કરવા આવેલા ગ્રાહકોમાં ભારે નાસભાગ અને બૂમાબૂમ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા સમજીને સ્થાનિક યુવાનો અને વેપારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરીને પાણીમાં ડૂબી રહેલી કારમાંથી ચાલકને સલામત રીતે બહાર કાઢી લીધા હતા. સમયસર મદદ મળી જતાં નિલેશભાઈનો આબાદ બચાવ થયો છે. જયારે ક્રેન બોલાવીને આખરે તળાવમાંથી ઇકો કારને બહાર કાઢવામાં આવી હતી.