Gujarat

કેશોદમાં કુટણખાના પર પોલીસનો દરોડો

​જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાંથી રહેણાંક વિસ્તારમાં ચાલતા હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. કેશોદ પોલીસ મથકથી દક્ષિણ દિશામાં આશરે 2 કિલોમીટર દૂર આવેલા પ્રમુખ કેશવ એપાર્ટમેન્ટના ચોથા માળે બ્લોક નંબર 401માં મોટા પાયે કુટણખાનું ચાલતું હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

આ દરોડા દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી વાંધાજનક સામગ્રી, રોકડ રકમ અને મોબાઇલ ફોન મળી આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ફ્લેટમાં છેલ્લા ઘણા સમયથી અનૈતિક પ્રવૃત્તિઓ ધમધમતી હતી અને આસપાસના રહીશોને શંકા ન જાય તે રીતે આખો ગોરખધંધો ચલાવવામાં આવી રહ્યો હતો.

​યુવતીઓ અને સ્થાનિકો વચ્ચે મધ્યસ્થી બનીને કમિશનનું નેટવર્ક ગોઠવવામાં આવ્યું હતું આ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરતા માલૂમ પડ્યું છે કે, અહીં ગ્રાહકોને આકર્ષવા માટે ખાસ કરીને બહારના રાજ્યોમાંથી સ્વરૂપવાન યુવતીઓને કેશોદ ખાતે બોલાવવામાં આવતી હતી.

આ બહારના રાજ્યોની યુવતીઓ અને સ્થાનિક ગ્રાહકો વચ્ચે મધ્યસ્થી બનીને કમિશન મેળવવાનું આખું નેટવર્ક ગોઠવવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન પોલીસે અનૈતિક વ્યાપાર અટકાવવાના કાયદા (PITA) 1956ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી પંથકમાં ચાલતા અન્ય શંકાસ્પદ સ્પા અને ભાડાના મકાનોના સંચાલકોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે.