Gujarat

જામનગરમાં બાંધકામ વિવાદે હિંસક રૂપ લીધું

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મકાનના બાંધકામ દરમિયાન સિમેન્ટ અને કાંકરી પડવા બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે બે મહિલા સહિત ચાર વ્યક્તિઓ સામે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હુમલો અને ધમકી આપવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ ફરિયાદ મુજબ, દિગ્વિજય પ્લોટ-58, હિંગળાજ ચોક, ગોળના ગોડાઉનવાળી ગલીમાં રહેતા જગદીશભાઈ રમણીકભાઈ નંદાએ આ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે તેમના ભત્રીજા રોહિતભાઈ રામજીભાઈ નંદાના ઘરે કડિયાકામ ચાલી રહ્યું હતું. બાંધકામ દરમિયાન સિમેન્ટ અને કાંકરી તેમના ઘર તરફ પડતા હોવાથી તેમણે આ અંગે રજૂઆત કરી હતી.

આ રજૂઆતને પગલે રોહિતભાઈ નંદા ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે ફરિયાદી જગદીશભાઈ સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી અને લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો. આ હુમલામાં જગદીશભાઈને ડાબા હાથના ખભા પાછળના ભાગે ઈજા પહોંચી હતી.

આ દરમિયાન, ફરિયાદીના પત્ની વચ્ચે પડતાં આરોપી નિકીતાબેન રોહિતભાઈ નંદાએ તેમના પર હુમલો કર્યો હતો, જેના કારણે તેમને બંને હાથ તથા શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થઈ હતી. ત્યારબાદ રીનાબેન ધવલભાઈ નંદા અને રેખાબેન રામજીભાઈ નંદા પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ફરિયાદી તથા તેમના પત્ની સાથે ઝપાઝપી કરી પથ્થરમારો કર્યો હતો.