પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીનો રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે કલેક્ટર કચેરી ખાતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકરોની ભારે ભીડ ઉમટી પડી હતી. કેસરીયા ખેસ, ત્રિરંગા અને ઝાડુના પ્રતીકો સાથે નીકળેલા રેલી સ્વરૂપી કાફલાઓએ શહેરના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ત્રણેય મુખ્ય પક્ષોએ જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કરતા પોરબંદરમાં આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાય તેવા સંકેતો મળી રહ્યા છે.
ભાજપ: 52 બેઠકો પર જીતનો નિર્ધાર ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસવાદને મુખ્ય મુદ્દો બનાવી શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી છે. નગરપાલિકાના તમામ 13 વોર્ડની કુલ 52 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ભાજપના અગ્રણીઓએ દાવો કર્યો છે કે જનતા વિકાસની રાજનીતિની સાથે છે અને આ વખતે પણ તમામ 52 બેઠકો પર ભગવો લહેરાશે. સંગઠન શક્તિ અને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓના આધારે ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતર્યું છે.

