જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળા પાકના વાવેતરમાં ઘટાડો થયો હોય તેમ માત્ર 10,760 હેકટર જમીનમાં વાવેતર થયું છે. તો ઓછા વાવેતરનું કારણ પાણીની ઓછી સગવડ તેમજ સીઝન લેઈટ ચાલ્યુ હોવાની ઈફેકટ સામે આવી રહી છે. સૌથી વધુ તલનું 4589 હેકટર જમીનમાં વાવેતર થયું છે.
જામનગર જિલ્લામાં ગત વર્ષે પાછતરા સારા વરસાદના કારણે શિયાળુ તેમજ ઉનાળુ પાકનું સારૂ વાવેતર થયું હતું. જેમાં ઉનાળુ પાકનું સાડા બારસો હેકટર જમીનમાં વાવેતર થયું હતું. ત્યારે ચાલુ વર્ષે વરસાદ મધ્યમ પડ્યો હતો અને ચોમાસુ અને શિયાળાની સીઝન મોડી ચાલી હતી.
મોડા વરસાદના કારણે વાવેતર મોડું થયું હોવાથી પાકની લણણીની સીઝન મોડી આવી હતી અને શિયાળો પણ મોડો શરૂ થયો હોવાથી શિયાળુ પાકના વાવેતરમાં મોડુ થયું હતું. ગત સપ્તાહ સુધી ખેડુતોએ ઉનાળા પાકની લણણી કરવામાં આવી હતી.
જેથી આગામી ચોમાસાની વાવણીમાં મોડુ ન થાય તે માટે તેમજ પાણીની ઓછી સગવડના કારણે ચાલુ વર્ષે ઉનાળુ વાવેતરમાં અસર જોવા મળી રહી છે. જેમ કે હાલ ઉનાળુ બાજરીનું 967, મગ 1770, અડદ 170, મગફળી 506, તલ 4589, શાકભાજી 733 તેમજ ઘાસચારો 1970, ગુવારગમ 10 અને અન્ય પાકો 45 હેકટર જમીનમાં વાવેતર થયું છે.
જેમાં સૌથી વધુ તલનું 4589 હેકટર જમીનમાં થયું છે. તો સૌથી ઓછુ ગમગુવારનું માત્ર 10 હેકટર જમીનમાં તે પણ માત્ર જોડીયા તાલુકામાં વાવેતર થયું છે. ગમગુવારનું અન્ય તાલુકામાં વાવેતર થયું નથી. અડદનું પણ જામજોધુપુરમાં 165 અને જોડીયામાં 5 હેકટર જમીનમાં વાવેતર થયું છે. હાલ ઉનાળુ પાકનું વાવેતર પુર્ણ થયું છે.

