Gujarat

ગુજરાત આયુ. યુનિ.માં BAMS પેપર લીક કૌભાંડનો NSUIનો સુત્રોચ્ચાર સાથે વિરોધ

​ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી તૃતીય પ્રોફેશનલ વર્ષ (BAMS) ની ‘શલ્ય તંત્ર -1’ ની પરીક્ષામાં ખુલ્લેઆમ પેપર લીક થવાની શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. પરીક્ષા શરૂ થતાં પહેલાં ઈમ્પોર્ટન્ટ ટોપિક્સના નામે મેસેજો ફરતા થયા હતા, તેમાંથી 12 માંથી 11 મુદ્દા બેઠેબેઠા પ્રશ્નપત્રમાં પૂછાતાં સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે. ​આ પ્રકરણમાં પેપર સેટ કરનાર પ્રોફેસર ખુદ શંકાના દાયરામાં છે. સ્ક્વોડના જવાબદાર અધિકારીઓ દ્વારા અગાઉથી જાણ કરવા છતાં યુનિવર્સિટી તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા, જે તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે.

ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં હેડ ક્લાર્ક, DGVCL, વનરક્ષક અને જુનિયર ક્લાર્ક સહિતની અનેક પરીક્ષાઓના પેપર લીક થયા છે. સરકાર ભલે કડક કાયદાના દાવા કરતી હોય, પરંતુ હકીકતમાં ભ્રષ્ટ માફિયાઓ સામે કોઈ નકર કાર્યવાહી થતી નથી. ​ આ ગંભીર મુદ્દાને લઈને ગુજરાત પ્રદેશ NSUI દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેક્ટરને આવેદન પાઠવીને ઉગ્ર વિરોધ કર્યો છે. BAMS પેપર લીક પ્રકરણની ન્યાયિક અને નિષ્પક્ષ તપાસ કરી, સંડોવાયેલા પેપર સેટર તથા જવાબદાર અધિકારીઓ સામે ત્વરિત કડક ફોજદારી પગલાં લેવામાં આવે. ભ્રષ્ટ સિસ્ટમ સામે માત્ર ખાંડા ખખડાવવાને બદલે જવાબદારોને કડકમાં કડક સજા કરવામાં આવે.