Gujarat

મનપાની મેગા ફૂડ સેફ્ટી ડ્રાઈવ સામે સવાલો

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરમાં અખાદ્ય અને વાસી ખોરાક વેચતા એકમો સામે ‘મેગા ડ્રાઈવ’ હાથ ધરી હોવાના દાવા સાથે મોટા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. મનપાના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ દિવસમાં શહેરના તમામ ઝોનમાં ૨૦૯ હોટેલ-રેસ્ટોરન્ટ અને 71 ઢાબા મળીને કુલ 280 એકમોમાં સઘન તપાસ કરવામાં આવી હતી.

આ દરમિયાન 1413 કિલોથી વધુ અખાદ્ય ખોરાકનો નાશ કરાયો, 154 એકમોને નોટિસ ફટકારાઈ, 14 સંસ્થાઓને સીલ કરાઈ અને રૂ. 4.69 લાખથી વધુનો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. જોકે, પાલિકાના આ વિશાળ આંકડાઓની સામે ફૂડ વિભાગના વાસ્તવિક માળખા અને સ્ટાફની સંખ્યાને લઈને અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

સ્ટાફની ભારે અછત, 9 ઝોનમાં માત્ર 2-2 અધિકારી સુરત જેવા 80 લાખથી વધુ વસ્તી ધરાવતા અને ખાણીપીણીના શોખીન શહેરમાં મનપાના 9 ઝોન આવેલા છે. વાસ્તવિકતા એ છે કે દરેક ઝોનમાં માત્ર 2-2 ફૂડ સેફ્ટી ઓફિસર તહેનાત છે અને સમગ્ર ફૂડ સેફ્ટી વિભાગમાં કુલ મળીને માત્ર 20 કર્મચારીઓનો જ સ્ટાફ કાર્યરત છે. આવી સ્થિતિમાં માત્ર ત્રણ દિવસના ટૂંકા ગાળામાં 280 જેટલી મોટી હોટેલો, રેસ્ટોરન્ટો અને ઢાબાઓમાં પહોંચીને બારીકાઈથી ઇન્સપેક્શન કરવું તાર્કિક રીતે કેટલું શક્ય છે, તે ચર્ચાનો વિષય બન્યો છે.

એક હોટેલના ચેકિંગમાં સમય કેટલો લાગે? કોઈપણ હોટેલ કે રેસ્ટોરન્ટમાં સઘન તપાસ કરવી હોય તો કિચન એરિયાની સ્વચ્છતા, ડીપ ફ્રીઝની સ્થિતિ, ડેરી પ્રોડક્ટ્સ અને તેલની ગુણવત્તા, મેનુ કાર્ડ-ડિસ્પ્લે બોર્ડની ચકાસણી, ફૂડ હેન્ડલર્સના મેડિકલ અને પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ તથા નમૂના લેવાની પ્રક્રિયામાં ઓછામાં ઓછો 30 થી 60 મિનિટ (અડધોથી એક કલાક)નો સમય લાગે છે.

આ ગણતરીએ 20 જણનો સીમિત સ્ટાફ ત્રણ દિવસમાં 280 એકમોની ઊંડાણપૂર્વક તપાસ કેવી રીતે કરી શકે? શું આ તપાસ માત્ર કાગળ પરની ઔપચારિકતા કે સરકારી ચોપડે આંકડા દર્શાવવા પૂરતી સીમિત હતી? તેવો સવાલ પાલિકા વર્તુળમાં સર્ચાઇ રહ્યા છે