ભાવનગર જિલ્લાના ખરકડી ગામે કથિત લઠ્ઠાકાંડના વિરોધમાં સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માંડવી ખાતે ધરણાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદભાઈ ચૌધરીની આગેવાની હેઠળ સુપડી બસ સ્ટેન્ડ સામે યોજાયો હતો, જેમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.
ધરણાં દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ગુજરાતમાં દારૂબંધીનો કડક અને અસરકારક અમલ કરવાની માંગ સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો કે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદે દારૂના વેચાણ પર નિયંત્રણ ન હોવાથી આવી ઘટનાઓ બને છે.

કોંગ્રેસે ભાવનગરની ઘટનાના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અને રાજ્યમાં દારૂબંધીનો અસરકારક અમલ સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ આ ઘટના અંગે સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે.
આ ધરણાં કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદભાઈ ચૌધરી, મહામંત્રી સ્નેહલભાઈ શાહ, શાહબુદ્દીન મલેક, અનિલભાઈ ચૌધરી, સરસ્વતીબેન સહિત સ્થાનિક કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

