Gujarat

રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાં કેન્સરના સંપૂર્ણ નિદાનથી લઇ આધુનિક સારવાર ઉપલબ્ધ

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં વધી રહેલા કેન્સરના કેસો વચ્ચે રાજકોટ એઇમ્સ ખાતે દર્દીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. એઇમ્સ હોસ્પિટલમાં છેલ્લા બે મહિનાથી પ્રાથમિક ધોરણે ચાલી રહેલા અદ્યતન કેન્સર કેર ફેસિલિટી સેન્ટરનું આગામી 15મી મંગળવારે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે.

આ સેન્ટરમાં હવે સર્જરી, કીમોથેરાપી અને રેડિયોથેરાપી સહિતની તમામ સારવાર એક જ છત નીચે મળશે. ખાસ કરીને આયુષ્માન ભારત યોજના હેઠળ ગરીબ દર્દીઓને નિઃશુલ્ક સારવાર મળશે, જ્યારે સામાન્ય દર્દીઓને ખાનગી હોસ્પિટલોના લાખો રૂપિયાના ખર્ચની સામે સાવ મામૂલી દરે નિદાન અને સર્જરીની સુવિધા ઉપલબ્ધ થશે.

ગુજરાતમાં કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જેમાં પુરુષોમાં મોઢા-ગળાનું અને મહિલાઓમાં બ્રેસ્ટ તથા સર્વાઇકલ કેન્સર મુખ્ય છે. પ્રાપ્ત આંકડા મુજબ વર્ષ 2020માં રાજ્યમાં 69,660 કેસ હતા, જે વર્ષ 2024માં વધીને 99,217 થતાં 5 વર્ષમાં 9,557 કેસ એટલે કે 13.7 ટકાનો વધારો નોંધાયો છે.

2024ના કુલ કેસોમાં 38,099 પુરુષો અને 61,118 મહિલાઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધી સૌરાષ્ટ્રના દર્દીઓએ કીમોથેરાપી કે સર્જરી કરાવ્યા બાદ રેડિયેશન સારવાર મેળવવા માટે અમદાવાદ કે અન્ય મોટા શહેરો સુધી ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે એઇમ્સમાં જ સંપૂર્ણ સુવિધા મળતા દર્દીઓની હેરાનગતિનો કાયમી અંત આવશે.

રાજકોટ એઇમ્સ ખાતે કેન્સરની અત્યાધુનિક સારવાર માટે કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ ઇન એઇડ હેઠળ રૂ. 39 કરોડના ખર્ચે મેળવેલી એડવાન્સ્ડ રેડિયોથેરાપી સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. અહીં હવે હાઇ-એનર્જી લિનિયર એક્સિલરેટર, સીટી સિમ્યુલેશન અને એચડીઆર બ્રેકીથેરાપી જેવી સુવિધાઓ પૂર્ણપણે કાર્યરત કરી દેવાઇ છે.

આ નવીનતમ પદ્ધતિઓની મદદથી કેન્સરની ગાંઠને અત્યંત ચોક્કસાઈથી નિશાન બનાવી શકાય છે, જેથી આસપાસના તંદુરસ્ત અંગોને ઓછામાં ઓછું નુકસાન પહોંચે અને દર્દીઓ ઝડપથી સ્વસ્થ થઈ શકશે. આર્થિક દ્રષ્ટિએ પણ આ સેન્ટર સામાન્ય અને ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.